Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ફલેટ તોડવાની કામગીરી સામે લતાવાસીઓ દ્વારા પથ્‍થરમારો-સૂત્રોચ્‍ચાર

અમદાવાદ : આનંદવિહાર ફ્લેટના રહીશોની મંજૂરી વગર રીડેવલોપમેન્ટ કરવાનો ફ્લેટના રહીશોએ આક્ષેપ લગાવ્યો છે. શિવાલિક બિલ્ડર અને GHBના ચેરમેનની નજર આ સ્કીમ  પર હોવાનો રહીશો આક્ષેપ લગાવી રહ્યાં છે. જો કે આ કારણોસર રહીશોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો છે. રહીશોએ AMCની ગાડીઓ પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરમાં કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ તોડવાની ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે તાજેતરમાં જ શહેરમાં બિન અધિકુત બાંધકામો/ બિલ્ડિંગો સામે ઝુંબેશ સ્વરૂપે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ઘણાં દિવસોથી ચાલુ છે. જેનાં ભાગરૂપે જ આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરનાં કાલુપુર, આંબલી, નવા વાડજ તથા નિકોલ વગેરે વિસ્તારોમાંથી આશરે 715 ચો.મી. બિન અધિકૃત બાંધકામ દૂર કરાયું છે.

આ પહેલાં AMCએ કોર્પોરેશન કે પછી સરકારી પ્લોટમાં થયેલા દબાણો તોડી પાડયા બાદ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ તોડવાની ઝુંબેશ હાથ ધરી છે. તેમાંય કાલુપુર પાંચ પટ્ટી વિસ્તારમાં તો રહેણાંકનું મકાન તોડી પાડવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. બાંધકામ બની ગયાને વર્ષો પછી રહેણાંકનું બાંધકામ તોડવાની કોર્પોરેશનની નીતિ સામે નાગરિકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે ટૂંક સમયમાં હાઇકોર્ટમાં રીટ અરજી થાય તેવી શક્યતા છે.

બીજી બાજુ મંગળવારનાં રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્રારા સરખેજના સૂચિત રીઝર્વેશન પ્લોટમાં ભળતી જગ્યામાં બિન પરવાનગીએ બાંધી દીધેલા 4 ઇન્ડસ્ટ્રીયલ શેડ તોડી પાડવામાં આવ્યાં છે. તે જ રીતે ઓઢવમાં પણ ઇન્ડસ્ટ્રીયલ શેડ દૂર કરાયા છે. આ ઉપરાંત ગાભા બજારમાં બેઠેલા લોકોના કપડાંના પોટલા કબ્જે લેવામાં આવ્યાં હતાં. આમ, કોર્પોરેશને જમીન કે પ્લોટ પર ગેરકાયદે બાંધકામ તથા રસ્તા પરના દબાણો દૂર કર્યાં હતાં.

આ સિવાય અગાઉ થોડાંક દિવસો પહેલાં પણ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં ઇલેકશન વોર્ડ મક્તમપુરામાં જુહાપુરા  વિસ્તારમાં આવેલી મુસ્કાન ગાર્ડન પાસે 12 દુકાનો તોડી પડાઇ હતી. આ દુકાનો તોડીને 1200 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરી દેવાઇ છે. આ ઉપરાંત શાહપુર વોર્ડમાં પણ દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી હાથ ધરાઇ હતી. ત્યારે હાલમાં શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ આનંદવિહાર ફ્લેટને તોડી પાડવા આવેલ AMCની ગાડીઓ પર રહીશોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવી પથ્થરમારો કર્યો હતો.

(5:38 pm IST)