Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પીએમ મોદીના આગમનને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર ' નો ડ્રોન ઝોન' જાહેર

પીએમની સુરક્ષાને લઈને ચાર જિલ્લાના તંત્ર દ્વારા તમામ પાસાની ચકાસણી : સર્વે રિપોર્ટ કેન્દ્રીય કક્ષાએ પહોંચ્યા

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે. આ દિવસે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે ,પીએમ મોદીની સુરક્ષાને લઈને હાલ 4 જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. PMO અધિકારીઓ સાથે સંકલન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં સુરક્ષા બાબતે તમામ સર્વે રિપોર્ટ પણ કેન્દ્રીય કક્ષાએ પહોંચી ગયો છે ત્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા PM મોદીની સુરક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે એક જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973 (1974નો બીજો અધિનિયમ)ની કલમ-144 અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તાર (1) નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી (ગોરા) સુધી અને (2) નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને 16/10/2020થી 14/12/2020 સુધી “No Drone Zone” જાહેર કરાયેલ છે. આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઈ ફરમાવી છે.

અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

(8:33 pm IST)