Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અમદાવાદમાં તહેવાર ટાણે કોરોના કેસનો રાફડો ફાટતા સરકાર ચિંતિત : નીતિનભાઈએ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી

ડે ,સીએમએ કહ્યું આગામી 2 દિવસમાં ઝડપથી ટેસ્ટિંગ કરાશે , લોકોએ મહામારીથી ચેતવાની જરૂર

અમદાવાદમાં દિવાળીના તહેવાર ટાણે કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સરકાર એક્શનમાં આવી છે. ગુજરાતના હેલ્થ મિનિસ્ટર અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અસારવા સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી.

નીતિન ભાઈ પટેલે કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી હતી. નીતિનભાઈ પટેલે કહ્યુ કે આગામી 2 દિવસમાં ઝડપથી ટેસ્ટિંગ કરવામાં આવશે. લોકોએ મહામારીથી ચેતવાની જરૂર છે. દર્દીઓની ઝડપી સારવાર માટે વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોરોનાના કેસ વધતા સરકારી જ નહી પણ ઘણી ખાનગી હોસ્પિટલો પણ ભરાઇ ગઇ છે. નવરાત્રિમાં પણ કોરોના મહામારી સામે સફળતા મળી હતી. સરકારે જરૂરિયાત પ્રમાણે સમયસર નિર્ણય કર્યા છે

   અમદાવાદમાં દિવાળીની રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી 91 દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. આ દર્દીઓની તાત્કાલીક સારવાર કરવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં નવા વોર્ડ ચાલુ કરવામાં આવ્યા હતા. કાળી ચૌદશની રાત્રે પણ બે નવા વોર્ડ ખોલવામાં આવ્યા હતા

  રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થયો છે. 15 નવેમ્બરે કોરોના વાયરસના 1070 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 14 નવેમ્બરે 1124, 13 નવેમ્બરે 1152, 12 નવેમ્બરે 1120 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 11 નવેમ્બરે 1125 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા

(12:17 pm IST)