Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સુરતના ભેસ્‍તાન વિસ્‍તારમાં રામભક્‍ત દંપતિ પાસે 222 તોલા સોનાની શાહીથી લખાયેલ રામાયણનો દુર્લભ ગ્રંથઃ 10 કિલો ચાંદી, 4 હજાર હીરાની સાથે પન્‍ના અને માણેકના રત્‍નોનો પણ ઉપયોગ

530 પાનાની રામાયણના આજે રામનવમીના દિવસે દર્શન કરતા ભક્‍તજનો

સુરત: વિશ્વમાં સુરતમાં જ એક એવો ગ્રંથ હશે કે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહીથી લખવામાં આવ્યો છે અને તે છે સુવર્ણ રામાયણ. વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતના એક એવા રામભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાથી ઈન્કથી લખ્યો છે. દુલર્ભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમા 222 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે.

જાણો અનોખી રામાયણ વિશેની ખાસિયતોઃ

શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા રાજેશકુમાર ભક્ત અને ઈન્દિરાબેન વર્ષોથી રામ ભક્ત છે. તેમનાના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ રામાયણ ગ્રંથ છે. 530 પાનાંની આ રામાયણમાં 222 તોલા સોનાની શાહીથી રામાયણની ચોપાઈ લખાઈ છે. સાથે જ બે પાનાની વચ્ચે મુકવામાં આવેલા બટર પેપરમાં 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યું છે. વર્ષ 1981માં આ રામાયણ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક અને પન્ના જેવાં રત્નોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું કવર 5-5 કિલો ચાંદીમાંથી બનાવાયું છે.

રામનવી સિવાય ક્યાં રખાય છે આ રામાયણ?

દર રામનવમીએ ભક્તોને દર્શન કરાવાય છે. બાકીના દિવસોમાં બૅન્કના લૉકરમાં રાખવામાં આવે છે. 43 વર્ષ પહેલાં આ ગ્રંથ લખાયો હતો. જેના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

જર્મનીથી મંગાવાયા હતા રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસઃ

ભગવાન રામ ના જીવન કાળ પર તૈયાર થયેલી રામાયણના એક એક શબ્દો સોનાની ઈન્કથી લખવામાં આવ્યા છે. સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું બનાવામાં આવ્યું છે.

222 તોલા સોનું અને 19 કિલોનું વજન વાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવાયા હતા. આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી.આ ઉપરાંત સોનાની ઈન્કથી લખાયેલા પાના વચ્ચે મૂકવામાં આવેલા બટર પેપર પર પણ 5 કરોડ વાળ શ્રી રામ લખવામાં આવ્યું છે. પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે.

40 કારીગરોએ તૈયાર કરી સોનાની વિશેષ રામાયણઃ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આ રામકુંજમાં રહેતા દંપતી રાજેશકુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેના સ્વર્ગસ્થ દાદા ગોકળભાઈ ભક્તે આ રામાયણ સને- 1981માં તૈયાર કરી હતી. તેઓ શ્રીરામના ભક્ત હતા. તે વખતે પુષ્ય નક્ષત્રના દિવસોમાં નવ કલાકમાં 40 લોકો દ્વારા તૈયાર થઈ હોવાનું કહેવામાં આવે છે. હીરા અને અન્ય કિંમતી રતોથી સજ્જ સોનાની રામાયણને વર્ષમાં માત્ર એક જ વાર રામ નવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછી મૂકવામાં આવે છે.

(5:18 pm IST)