Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

હું બુથ કાર્યકર્તાથી સંસદ સુધી પહોંચ્‍યોઃ અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતા કેન્‍દ્રીય ગૃહમંત્રીઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી સહિતના ઉપસ્‍થિત

રાજકોટ,તા. ૧૯: ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર, હાલના સાંસદ તેમજ કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં પ્રસ્‍તાવકો કલ્‍પનાબેન ચાવડા, આશાબેન ઠાકોર, બાબુભાઈ પટેલ તેમજ મુકેશભાઈ પ્રજાપતિની ઉપસ્‍થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, ગૃહરાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી, ક્‍લસ્‍ટર પ્રભારી શ્રી કે. સી. પટેલ, લોકસભા પ્રભારી અને રાજયસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, લોકસભા સંયોજક ડો. હર્ષદભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

ગાંધીનગર લોકસભા બેઠક માટે નામાંકન દાખલ કર્યા બાદ મીડિયાને સંબોધન કરતા કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે, જે ક્ષેત્રમાંથી પૂર્વ પ્રધાનમંત્રી પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી અને શ્રદ્ધેય શ્રી લાલકૃષ્‍ણ આડવાણીજીએ પ્રતિનિધિત્‍વ કર્યું, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી જયાંના મતદાર છે તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપાએ પ્રતિનિધિત્‍વ કરવાની આપી તે મારી માટે ગૌરવનો વિષય છે. આ ક્ષેત્રમાંથી જ હું છેલ્લા ૩૦ વર્ષથી જનતાના આશીર્વાદથી ધારાસભ્‍ય અને સાંસદ બન્‍યો છું, બુથના કાર્યકર્તાથી સંસદ સુધી પહોંચ્‍યો છું. મને એ વાતનો સંતોષ છે કે, જયારે પણ આ વિસ્‍તારની જનતા પાસે આશીર્વાદ માંગ્‍યા છે ત્‍યારે જનતાએ અપાર પ્રેમ દર્શાવ્‍યો છે. આ ક્ષેત્રમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના મુખ્‍યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે એમ બન્ને કાર્યકાળમાં અનેકવિધ વિકાસકાર્યો થયા છે. છેલ્લા ૫ વર્ષમાં ગાંધીનગર લોકસભા વિસ્‍તારમાં રૂ.૨૨,૦૦૦ કરોડના વિકાસકાર્યો થયા છે.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે, આ લોકસભાની ચુંટણી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની ચુંટણી છે, તેઓએ દેશને સુરક્ષિત અને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે, દેશના કરોડો ગરીબોના જીવનમાં નવા ઉત્‍સાહ અને નવી આશાને પુનર્જીવિત કરવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કર્યું છે. આ લોકસભા ચુંટણીમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ૪૦૦ પાર બેઠકો સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા ઉત્‍સાહિત છે. હું દેશના પ્રત્‍યેક ભાગમાં જાઉં છું અને દરેક જગ્‍યાએ શ્નમોદી મોદીશ્ન ના નારા સાથે સ્‍વાગત થાય છે. દેશની જનતાનો અભૂતપૂર્વ આશીર્વાદ અને પ્રેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને પ્રાપ્ત થયો છે.ᅠ

શ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં ભારતે દુનિયામાં ગૌરવ પ્રાપ્ત કરવાની સાથે મજબૂત સ્‍થાન બનાવ્‍યું છે. વર્ષ ૨૦૪૭ પૂર્ણ વિકસિત અને દરેક ક્ષેત્રે વિશ્વમાં સર્વપ્રથમ હોય તેવું ભારત બનાવવાની કલ્‍પનાને દેશની ૧૪૦ કરોડ જનતાનો સંકલ્‍પ બનાવવામાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને સફળતા મળી છે. છેલ્લા ૧૦ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ યુપીએ સરકારના ખાડા પૂરવાનું કાર્ય કર્યું છે, આગામી પાંચ વર્ષ વિકસિત ભારતની ભવ્‍ય ઇમારતનો પાયો નાખવાના વર્ષ છે. શ્રી શાહે દેશની જનતાને મતદાનના દિવસે સવારે ૧૦.૩૦ સુધીમાં પ્રચંડ બહુમત સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા દરેક સ્‍થાને ભાજપાના કમળને ખીલવી શ્નઅબ કી બાર, ૪૦૦ પારશ્નના લક્ષ્યને સિદ્ધ કરવા સહાયતા કરવા અપીલ કરી હતી.

ડો. બિમલ જોશી, કલ્‍પ પટેલ, હિતેશ પટેલ(પોચી), હેમાંગ પટેલ મીડિયા વિભાગ, ગાંધીનગર લોકસભા ભાજપાની યાદીમાં જણાવાયું છે.

(3:31 pm IST)