Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

બિહારથી ગુજરાતમાં લાવેલા ૩૨ બાળકોનું રેસ્કયુ કરાયું

સીઆઈડી ક્રાઈમ, વિવિધ એનજીઓ દ્વારા ઓપરેશન : કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસથી ૧૫-૧૭ વર્ષનાં બિહારનાં ૩૨ બાળકો મળ્યા

અમદાવાદ,તા.૧૮ : બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી મળતાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમે વિવિધ એનજીઓ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે. બિહારથી ટ્રેનમાં લાવવામાં આવેલાં ૩૨ બાળકોને છોડાવવામાં આવ્યાં છે. સીઆઈડી ક્રાઈમે હ્યુમન ટ્રાફિકિંગનો વિવિધ એનજીઓ સાથે મળીને પર્દાફાશ કર્યો છે. સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે, જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ એનજીઓઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી ૧૫થી ૧૭ વર્ષનાં બિહારનાં ૩૨ બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તારણ છે. બાળકોને હાલ કાલુપુર પોલીસ સ્ટેશને લઈ જવાયાં છે. આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

(9:45 pm IST)