Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

હનીટ્રેપ : યુવતી ટોપ કાઢી નગ્ન થઈ યુવક પર બેસી ગઈ : મની એક્સચેન્જની ઓફિસના માલિકને ફસાવાયો : 20 લાખનો તોડ

ટીન્ડર એપથી સંપર્કમાં આવેલી યુવતીને મળવા ગયેલ યુવકને ફસાવ્યો : માર મારી 50 લાખની માંગણી: નકલી પોલીસ પકડાઈ જતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ : અમદાવાદના સીજી પર મની એક્સચેન્જની ઓફિસના માલિકને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ દ્વારા અસલી પોલીસની એક્ટિંગ કરી રૂ. 20 લાખનો તોડ કરવાની ઘટના બની છે. ટીન્ડર એપથી સંપર્કમાં આવેલી યુવતીને 10 દિવસ પહેલા મળવા ગયેલા યુવકને ગોતા ખાતેના ફ્લેટમાં લઈ જવાયો જ્યાં યુવતી બેડરૂમમાં ટોપ કાઢી નગ્ન થઈ યુવક પર બેસી ગઈ હતી.

યુવક કઈ વિચારે તે પહેલાં ત્રણ શખ્સ રૂમમાં આવી ગયા હતાં. બે શખ્સ યુવતીને લઈ નીકળી જાય છે જ્યારે એક શખ્સ પોલીસ તરીકે ઓળખ આપી વેપારીને અસલી પોલીસની જેમ માર મારી રૂ.50 લાખની માંગણી કરે છે. ઘણી આજીજી બાદ રૂ. 20 લાખનો તોડ કરી વેપારીને આરોપીઓ જવા દે છે. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ નકલી પોલીસ બની તોડ કરનાર યુવકને પોલીસ ડ્રેસમાં કાર સાથે આનંદનગર પોલીસે ઝડપ્યો હતો.

સેટેલાઈટના આંબલી બોપલ રોડ પર રહેતાં અને CG રોડ પર ટોમેટો રેસ્ટોરન્ટ સામે મની એક્સચેન્જની ઓફિસ ધરાવતા વેપારી કૃણાલ (નામ બદલ્યું છે) નો સંપર્ક ટીન્ડર એપ પર જાનવી નામની યુવતી સાથે થયો હતો.

સેટેલાઈટ વિસ્તારમાં એસ.જી હાઇવે પર ગત તા. 8મીના રોજ રાત્રે જાનવી અને કૃણાલ એકબીજાને મળે છે. બીજા દિવસે મળવાનું નક્કી થયા મુજબ ખેતલાઆપા પાસે બપોરે ફરી બન્નેની મુલાકાત થાય છે. જાનવી એકાંતવાળી જગ્યાએ જવાનું કહી કૃણાલને ગોતા ખાતેના ફ્લેટ પર લઈ જાય છે.

જાનવી ફ્લેટમાં કૃણાલને લઈ જઈ બેસાડે છે. બાદમાં અચાનક તે પોતાનું ટોપ કાઢી નગ્ન થઈને કૃણાલ પર બેસી જાય છે. કૃણાલ કઈ સમજે તે પહેલાં જ ત્રણ શખ્સો ફ્લેટમાં આવી તેણે માર મારી પોલીસને બોલાવવાનું કહે છે. ત્રણમાંથી બે શખ્સ જાનવીને બહાર લઈ જાય છે.

ફ્લેટમાં આવેલો શખ્સ પોતે ગોતા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવી યુવરાજસિંહ નામ આપે છે. આરોપીએ કૃણાલને માર મારી ડરાવી નાંખ્યો હતો. તે સમયે ત્યાં પોલીસ ડ્રેસમાં અન્ય એક વ્યક્તિ આવે છે. તે પણ કૃણાલને પગના તળીયામાં લાકડીઓ મારે છે.

પોલીસ વાળાને યુવરાજસિંહ બહાર મોકલી કૃણાલને જણાવે છે કે, તારે જો આ કેસમાંથી બચવું હોય તો રૂ.50 લાખ આપવા પડશે નહીં તો છોકરીવાળા તને મારી નાંખશે અને પોલીસ અંદર પુરશે. આખરે આજીજી કરી કૃણાલે 20 લાખ આપવાનું કહેતા સમજૂતી થાય છે.

કૃણાલએ તેના મિત્રને ફોન કરી રૂ.20 લાખ માંગ્યા હતાં. જે રકમ કૃણાલનો માણસ લઈ આવી PM આંગડિયામાં આશીક દેસાઈના નામથી મોકલે છે. પૈસા મળ્યા બાદ આરોપીઓ કારની ચાવી અને મોબાઈલ આપી કૃણાલને જવા દે છે.

આ ઘટનાને પગલે કૃણાલ માનસિક રીતે પડી ભાંગ્યો હતો. તેણે હાઇપ્લોગ્લાસમીયાનો એટેક આવતા મિત્રો શુક્રવારે સવારે મળવા માટે ઘરે પહોંચ્યા હતાં. મિત્રોને કૃણાલે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી. જેથી મિત્રોએ આ મામલે તપાસ શરૂ કરી હતી.

કૃણાલ અને તેના મિત્રોને આનંદનગરમાં નકલી પોલીસ પકડાયાની માહિતી મળી હતી. આથી તમામ લોકો ત્યાં પહોંચ્યા હતાં. કૃણાલે નકલી પોલીસ તરીકે પકડાયેલા યુવકને ઓળખી કાઢ્યો હતો. પોલીસને પોતાનો તોડ કરનાર ગેંગમાં પકડાયેલો આરોપી સામેલ હોવાનું કહે છે.

આનંદનગર  પોલીસે બાતમીના આધારે કારમાં પોલીસ ડ્રેસ પહેરી પસાર થતાં સમીર નુરુદ્દીન ચારણીયા (ઉં,35) રહે, ટેરેસ એપાર્ટમેન્ટ, કોમર્સ છ રસ્તા નવરંગપુરાને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગનો સમીર સાગરીત હોવાનું ખુલ્યું છે. કૃણાલની જેમ ગેંગએ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવ્યાની શંકા પોલીસને છે.

સેટેલાઇટ પોલીસે કૃણાલની ફરિયાદ આધારે આરોપી સમીર, જાનવી, આશીક દેસાઈ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:27 am IST)