Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ માટે ભાજપમાં જૂથવાદ વકર્યો : સીમાંકન બાબતે બંન્ને પક્ષમાં નારાજગી

ગત ટર્મમાં કોંગ્રેસ-BTP નું શાસન: ભાજપના કાર્યકરોમાં ટિકિટ મેળવવા ડખ્ખા

રાજપીપળા: કોરોના કહેર વચ્ચે વિવિધ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સીમાંકન ની જાહેરાત કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને એક માત્ર રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નવા સીમાંકનની જાહેરાત કરવામાં આવી છે. આ નવા સીમાંકનને લઈને ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષમાં નારાજગી છવાઈ ગઇ છે. ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ આ બાબતે સરકારમાં પોતાના વાંધા રજૂ કર્યાં છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભાજપના જ કાર્યકરોમાં ડખા ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે.

હવે ચૂંટણીને જૂજ સમય બાકી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટ મેળવવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોત પોતાના ગોડ ફાધરોને ત્યાં આંટા ફેરા મારવાની શરૂઆત કરી દીધી છે. નર્મદા જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસ-BTP નું શાસન હતું. આ વર્ષે ભાજપ પાર્ટીના કાર્યકરોના જોરે સત્તા હાંસિલ કરવા રણનીતિ બનાવી રહી છે. તો બીજી બાજુ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટીકીટ મેળવવા ભાજપના જ કાર્યકરોમાં ડખા ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લા પંચાયતની અમુક બેઠકો પર “આયાતી” ઉમેદવારો સામે સ્થાનિક ઉમેદવારોએ અને સંગઠનના હોદ્દેદારોએ રોષ વ્યકત કર્યો છે. તમામ બેઠકો પર સ્થાનિક ઉમેદવારની જ પસંદગી કરવામાં આવે એવી ઉગ્ર રજૂઆતો પણ થઈ રહી છે. આ જોતા જો સ્થાનિકોની જગ્યાએ આયાતી ઉમેદવારો ઉતારવામાં આવશે તો એનું વિપરીત પરિણામ આવશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.

રાજપીપળા નગરપાલિકા સીમાંકન બાબતે વાલ્મિકી સમાજે રોષ વ્યકત કર્યો છે. પોતાનો રોષ વ્યકત કરતા નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, મે રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકો પૈકી વર્ષોથી અનુસૂચિત જાતિ પુરુષ બેઠક હતી જે બદલીને અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત કરવામાં આવી છે. તો આ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અને પુરુષ બંન્ને માટે કોમન રાખી આવનારી રાજપીપળા નગરપાલિકા ચૂંટણી કરવામાં આવે એવી તેઓ માંગ કરી રહ્યાં છે.

આવી જ સ્થિતિ નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયતની છે. ખાસ કરીને નાંદોદ તાલુકા પંચાયતની અમુક બેઠકો પર આદિવાસી પુરુષ ઉમેદવાર કે જે ખાસ કરીને આવનારી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની દાવેદારી ન કરે એટલા માટે જ એમને સાઈડ લાઈન કરવા માટે એવી બેઠકો આદિવાસી સ્ત્રી અનામત કરવામાં આવી હોય એવી બુમો પણ ઊઠી છે. વિધાનસભા ચૂંટણીમાં દાવેદારી ન કરે એટલે જ સક્ષમ વ્યક્તિઓનું રાજકીય એન્કાઉન્ટર કરાયું હોવાની ચર્ચાઓ હાલ ચોરે અને ચૌટે થઈ રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ-કોંગ્રેસ દ્વારા ખેલાયેલી આ ગેમનું આવનારી વિધાનસભા ચૂંટણીમાં કેવું પરિણામ લાવે છે એ તો સમય જ બતાવશે.

(10:38 am IST)