Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ખાદ્ય-તેલોમાં આગ-ઝરતી તેજીઃ ગૃહિણીઓનું બજેટ વેરવિખેર

એક મહિનામાં કપાસીયા તેલમાં ડબ્બે ર૦૦, સનફલાવરમાં ૩૭પ અને પામોલીન તેલમાં ૮૦ રૂપિયા વધ્યા, કાળજાળ મોંઘવારીમાં સામાન્ય પ્રજાને પડયા પર પાટુ જેવો ઘાટ

રાજકોટ તા. ૧૯ :.. કોરોનાં મહામારીમાં સામાન્ય લોકોના કામધંધા પુરા ચાલતા નથી ત્યારે જ તમામ પ્રકારના ખાદ્ય તેલોમાં એક મહિનામાં આગ જરતી તેજીથી ગૃહીણીઓ તોબા પોકારી ગઇ છે તમામ પ્રકારન ખાદ્યતેલમાં ડબ્બે પ૦ રૂપિયાથી લઇ ૩પ૦ રૂ. સુધીનો વધારો થયો છે.

આ અંગે તેલના વેપારીના જણાવ્યા મુજબ કપાસીયા તેલમાં છેલ્લા એક મહિનામાં ડબ્બે ર૦૦ રૂપિયા સુધીના વધારા પાછળના કારણમાં હાલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કપાસીયા તેલની મોટા-ભાગની મીલો બંધ છે. જેથી કપાસીયા તેલની હાલ અછત હોય ભાવ વધ્યા છે.

મીલો બંધ હોવાના કારણમાં લોકડાઉનનો પ્રારંભ થયો ત્યારે પર-પ્રાંતિના મજૂરો વતનમાં જતા રહ્યા અને હવે પરત આવે છે ત્યારે મીલ-માલિકોને હાલ વેચેટી ના હોય તેઓ મીલ ચાલુ કરવાના મુડમાં નથી.

કપાસીયા ખોળમાં પણ સાવ ઘરાકી ન હોય અને કપાસીયા પણ હાલ સ્ટોકના અને ડેમે જ આવતા હોય મીલ માલીક મીલ ચાલુ નથી કરતા જેથી કપાસીયા તેલનો ભાવ આજે વિક્રમ જનક સપાટી ઉપર પહોંચી ગયો છે.

જો કે થોડા વખતથી બીજા રાજયોમાંથી નવા કપાસીયાની આવકો ચાલુ થઇ ગઇ છે આમ છતાં બંધ પડેલી મીલો નજીકના દિવસોમાં ચાલુ નહી થાય.

સન ફલાવર તેલ જેનો વપરાશ ગુજરાતમાં બહુ નથી આમ છતાં પણ સન ફલાવર તેલમાં પણ ડબ્બે ૩પ૦ રૂપિયા થી લઇ જુદી જુદી બ્રાન્ડમાં ૪૦૦ રૂ. સુધીનો ભાવ વધારો થયો છે.

આજ સ્થિતી પામોલીન તેલમાં થઇ છે તેમાં પણ ડબ્બે ૮૦ રૂપિયાથી લઇ ૧૦૦ રૂપિયા સુધીનાં વધારો થયો છે.

જો કે સીંગતેલમાં બહુ વધારો થયો નથી. કપાસીયા તેલમાં માલની અછત હોય તેમજ બીજા ખાદ્ય-તેલોમાં પણ સતત વધારો થતો હોય અને વૈશ્વિક બજારમાં  પણ વાયદામાં રોજે-રોજ વધારો થતો હોય બધા તેલમાં આગ-ઝરતી તેજી હાલ થઇ છે.

જો કે સામાન્ય પરિવાર માટે કાળજાળ મોંઘવારીમાં પડયા પર પાટુ જેવો ઘાટ થયો છે.

(11:20 am IST)