Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધર ગામ નજીક પુરપાટ ઝડપે જતી કારે કેનાલ પર બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું કેનાલમાં ખાબકતા મૃત્યુ

વડોદરા: વાઘોડિયા તાલુકાના માડોધર ગામ પાસેની કેનાલ પર એક બાઇકને સામેથી પૂરઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતાં બાઇક પરથી કેનાલમાં ખાબકેલા યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે બાઇકસવારનું પણ સારવાર બાદ મોત થયું  હતું.આ અંગેની વિગત એવી છે કે શિનોર તાલુકાના ટીમ્બરવા ગામમાં રહેતો અજય મહેશભાઇ વસાવા તરવા ગામમાં રહેતા તેના મિત્ર પ્રહલાદ ભરતભાઇ વસાવાની સાથે બાઇક પર ગોધરા જવા માટે ગઇકાલે સવારે નીકળ્યો હતો. બાઇક પ્રહલાદ ચલાવતો હતો. બંને વાઘોડિયા તાલુકાના માડોધરથી સાંગાડોલ તરફ જતા હતા ત્યારે માડોધર ગામ પાસેની કેનાલ પર સામેથી સફેદ રંગની એક ક્રેટા કારે બાઇકને જોરદાર ટક્કર મારી  હતી.કારની ટક્કર વાગતાં જ બાઇક પર પાછળની સીટ પર બેસેલ અજય ઉછળીને કેનાલના પાણીમાં પડયો હતો જ્યારે પ્રહલાદ જમીન પર પટકાયો હતો. અકસ્માતના પગલે લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને કેનાલમાં તણાતા અજયને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો. ઇજાગ્રસ્ત પ્રહલાદને સારવાર માટે ખસેડતાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.બનાવ અંગે વાઘોડિયા પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રહલાદનું લર્નિગ લાયસન્સ હતું અને તે પાકા લાયસન્સ માટે ગોધરા તેના મિત્ર સાથે જતો હતો. જ્યારે કેનાલમાં ડૂબી જનાર અજય તેની બહેનનું તા.૨૯મી લગ્ન હોવાથી તે કપડાંની ખરીદી માટે જતો હતો.

(7:16 pm IST)