Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ખેડા જિલ્લામાં નડિયાદની કમળા ચોકડી નજીક આઇસરની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મોત

નડિયાદ : ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવો નોંધાયા છે. નડિયાદની કમળા ચોકડી પાસે આઈસરની ટક્કરે મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે કનેરા નજીક નેશનલ હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર દંપતી અને તેમની દીકરીને ઈજા પહોંચી હતી. આ અંગે જે-તે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદમાં રહેતા મંજુબેન જયંતીભાઈ તળપદા (ઉં.વ. ૪૩) તા.૨૨ના રોજ સવારે કમળા ચોકડી લાકડા લેવા ગયાં હતાં. તેણી વે બ્રીજ નજીકથી પસાર થતાં હતાં ત્યારે આઇસર ચાલક આઇસર રિવર્સ લેતો હતો. તે સમયે આઈસરની ટક્કર લાગતા મંજુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેણીે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે કરમસદ લઈ જવામાં આવી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ તેણીનું મોત નિપજ્યું હતું. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં કર્ણાટકના વિના ચેનરા કેશવા શ્રીનિવાસ તેમના પતિ અને ૧૦ વર્ષની દીકરી અંકિતા સાથે કાર ભાડે કરી ગાંધીધામ જઈ રહ્યા હતા. દરમિયાન તા.૨૩ એપ્રિલની સવારે કનેરા ગામ નજીક ગાડી ડિવાઈર અને ગરનાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતી અને તેમની દીકરીને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયાં હતાં. આ અંગે ખેડા ટાઉન પોલીસે ગાડીના ચાલક મહેશ મોદી સામે ગુનો નોંધ્યો હતો. 

(7:19 pm IST)