Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

બોરસદ તાલુકાના કણભા ગામે નજીવી બાબતે પિતરાઈ ભાઈની હત્યાનો પ્રયાસ થતા પોલીસ ફરિયાદ

બોરસદ:તાલુકાના કણભા ગામના મહાદેવપુરા ખાતે આવેલા ખેતરમાં ગઈકાલે બપોરના સુમારે પાણીનો ઢાળીયો તોડી નાંખવાની બાબતે પિતરાઈ ભાઈએ દાંતીથી હુમલો કરીને માથાના ભાગે ત્રણ ઘા મારી દેતાં હાલત ગંભીર થઈ જવા પામી હતી. જેથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમા લઈ જવામાં આવ્યો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહાદેવપુરા નહેર પાસે રહેતા સંજયભાઈ ઉર્ફે કાળાભાઈ ચંદુભાઈ ઉર્ફે ત્રીકમભાઈ પરમારને નજીકમાં જ રહેતા પોતાના કૌટુંબિક ભાઈ રમેશભાઈ ગેમનભાઈ પરમાર સાથે જમીન બાબતે વર્ષોથી મનદુખ ચાલી રહ્યું છે. ગઈકાલે બપોરના સુમારે સંજયભાઈ પોતાના કાકા કનુભાઈ સાથે ખેતરમાં વાવેલ બાજરીના પાકમાં પાણી આપવા માટે ગયા હતા. જ્યાં બાજુમાં જ ખેતર ધરાવતા રમેશભાઈ વાડની સાફસફાઈ કરતા હતા. દરમ્યાન બાજરીના ચાસમાં પાણી ભરાયું કે નહીં તે જોવા માટે સંજયભાઈ ખેતરના બીજે છેડે જતા જ રમેશભાઈએ કનુભાઈને ઢાળીયો કેમ તોડી નાંખ્યો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીનેે ઝઘડો કર્યો હતો. કનુભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા રમેશભાઈએ પોતાની પાસેની દાંતીનો ઘા માથામાં મારી દેતાં કનુભાઈ નીચે પડી જવા પામ્યા હતા. ત્યારબાદ બીજા ઉપરાછાપરી બે ઘા માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. દરમ્યાન બુમાબુમ થતાં સંજયભાઈ દોડીને આવી પહોંચ્યો હતો. જ્યાં તેને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કનુભાઈને પ્રથમ સારવાર માટે રાસની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી ગોત્રીની જનરલ હોસ્પીટલ અને ત્યાંથી હાલત ગંભીર હોય વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે સંજયભાઈની ફરિયાદને આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા રમેશભાઈ પરમારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:29 pm IST)