Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

“7મી મે ખાસ યાદ રાખજો, આવવાનું ભૂલશો નહી” કંકોત્રી સ્વરૂપની અનોખી આમંત્રણ પત્રિકા::અમદાવાદમાં મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બની

શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવા ઉમદા હેતુ સાથે આ આમંત્રણ પત્રિકા રૂપી કંકોત્રી છપાઈ

અમદાવાદ ;રાજ્યમાં 7મી મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનુ છે ત્યારે દરેક લોકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને અને તેમના મતાધિકારનો પ્રયોગ કરે તે માટે શિક્ષણ વિભાગ પણ પ્રયાસરત છે. લોકોને મતદાન કરવા પ્રેરવા માટે શિક્ષણ વિભાગે કંકોત્રી સ્વરૂપની અનોખી આમંત્રણ પત્રિકા તૈયાર કરી છે, જેમા 7મી મેએ લોકોને મતદાન કરવા માટેનું ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે

   લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં એક કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કોઈ લગ્ન કે માંગલિક પ્રસંગના આમંત્રણની કંકોત્રી નથી. પરંતુ આ કંકોત્રી છે લોકશાહીના મહાપર્વના આમંત્રણની. શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવા ઉમદા હેતુ સાથે આ આમંત્રણ પત્રિકા રૂપી કંકોત્રી છપાવવામાં આવી છે.

    ચૂંટણી પંચ અને શિક્ષણ વિભાગ દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર માટે આવી કંકોત્રી છાપવામાં આવી છે. જેમાં લગ્નની કંકોત્રીની જેમ જ મતદાન કરવા માટે મતદારને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના મતદારોને જાગ્રત કરવા માટે સ્વામીનારાયણ વિદ્યાલય મંદિર મેમનગરના વિદ્યાર્થીઓએ કંકોત્રી વહેંચી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ શહેરની સોસાયટીઓમાં જઈને મતદારોને કંકોત્રી આપીને 7 મી મેના રોજ અચૂક મતદાન કરવા અપીલ કરી છે. .

(12:39 am IST)