Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સુરતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ

સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી : મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના મિત્ર વર્તુળની મદદથી કોરોના દર્દીઓ માટે એક હૉસ્પિટલ શરૂ કરી છે

સુરત,તા.૨૭ : ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ જાતે જ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. હર્ષ સંઘવી સુરતની મજુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. હર્ષ સંઘવીએ આજે સવારે ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. હર્ષ સંઘવી છેલ્લા ઘણા દિવસોથી 'કોરોના વૉરિયર'  તરીકે કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ખૂદ પોઝિટિવ આવતા લોકોને તેમના સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે તેમજ લોકો યુવા ધારાસભ્ય ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ આજે સવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, *આજે મેં કોવિડ ૧૯ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.

                  છેલ્લા કેટલાક દિવસોથી જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે તેમજ જરૂરી અન્ય કાળજી લે. ઉલ્લેખનીય છે કે મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના મિત્ર વર્તુળની મદદથી કોરોના દર્દીઓ માટે એક હૉસ્પિટલ શરૂ કરી છે. જ્યાં ૧૮૨ જેટલા દર્દીઓને સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. હૉસ્પિટલ બનાવવાનો ખર્ચ ધારાસભ્ય અને તેમના મિત્રોએ ઉઠાવ્યો છે. બુધવારે સુરત શહેરમાં ૧૬૮ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ૫૪ દર્દી સાથે કુલ કોરોના દર્દીની સંખ્યા ૧૯,૮૨૫ પર પહોંચી છે. બુધવારે કોરોનાથી ૪ લોકોનાં મોત થયા હતા. આ સાથે જ સુરતમાં કુલ મૃત્યાંક ૭૯૪ પર પહોંચ્યો છે. કુલ ૧૯,૮૨૫ કેસમાંથી શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા ૧૫,૫૯૨ અને ગ્રામ્ય વિસ્તારમાં દર્દીની સંખ્યા ૪,૨૩૩ છે. સુરતમાં આજ દિવસ સુધી શહેર વિસ્તારમાં ૧૬,૩૯૧ લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૩,૪૦૦ દર્દી સાજા થયા છે.

(7:32 pm IST)