Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વન વિભાગમાં એકી સાથે ૧૧૮ વન કર્મીઓની બઢતી તથા બદલી : ત્રણને એડહોક ધોરણે બઢતી

અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, પાલનપુર, મહેસાણા, વડોદરા, અંબાજી, ડાંગ, બજાણા, જામનગર, સોમનાથ, દ્વારકા, વલસાડ સહિતના વર્તુળો હેઠળ આવતા કર્મચારીઓને પરિક્ષેત્ર વન અધિકારીપદે બઢતી

રાજકોટ તા. ૩૦ : ગાંધીનગરની અગ્રમુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા વર્તુળો હેઠળના વનક્ષેત્રમાં ફરજ બજાવતા વનકર્મીઓને વર્ગ-૨માં બઢતી સાથે બદલીની નિમણૂંકોના ઓર્ડરો કરાયા છે. જેમાં એકીસાથે ૧૧૮ જેટલા વનકર્મીઓને પરિક્ષેત્ર વન અધિકારી તરીકે બઢતી અપાઇ છે. જ્યારે ત્રણ કર્મચારીઓને એડહોક ધોરણે બઢતી અપાઇ છે.

આ અંગે રાજ્યના અગ્રમુખ્ય વન સંરક્ષકશ્રીએ કરેલા હુકમોમાં જણાવાયા મુજબ આણંદ, અમદાવાદ, પાલનપુર, અંબાજી, ગાંધીનગર, જામનગર, દ્વારકા વલસાડ, વડોદરા, અંબાજી, કચ્છ, પાટણ, ગીરસોમનાથ, બજાણા, ડાંગ, ભાવનગર, ગોધરા, કેવડીયા, ખેડબ્રહ્મા, મોરબી, ઉપલેટા વગેરે સહિતના વર્તુળોમાં વનકર્મીઓને વર્ગ-૨માં પરિક્ષેત્ર વન અધિકારી તરીકે નિમણૂંકો અપાઇ છે. જેમાં કેટલાકને તેઓની હાલની ફરજના સ્થળે જ નિમણૂંકો અપાઇ છે. જ્યારે કેટલાકને અન્ય જિલ્લા વર્તુળમાં બદલી સાથે બઢતીની નિમણૂંકો અપાઇ છે.

જ્યારે ત્રણ વનકર્મીઓને પડતર કોર્ટ કેસ, ખાતાકીય તપાસના આખરી ચુકાદાને આધીન તદ્દન એડહોક ધોરણે પરિક્ષેત્ર વન અધિકારી પદે નિમણૂંકના ઓર્ડરો થયા છે.

૧૯ અધિકારીઓની બદલીઓ

આ ઉપરાંત ૧૯ જેટલા પરિક્ષેત્ર વન અધિકારીઓની વહીવટી કારણોસર બદલીઓ કરવામાં આવી છે.

જેમાં સાસણ રેન્જ, ઇન્દોરા પાર્ક, જેસર, હડાળા, તુલસીશ્યામ, નળસરોવર, ગીર પૂર્વ, કેવડીયા સફારી પાર્ક વગેરે સ્થળે ફરજ બજાવતા અધિકારીઓની અન્ય જિલ્લા રેન્જમાં બદલીના હુકમો થયા છે.

(3:55 pm IST)