Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

દુનિયાનો લશ્કરી ખર્ચ વધીને 2.4 લાખ કરોડ ડોલરે પહોંચ્યો હોવાના સમાચાર


નવી દિલ્હી: સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીયા રીસર્ચ ઇન્સ્ટિટયુટ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલા અહેવાલમાં દુનિયાના મહત્વના દેશો દ્વારા લશ્કરો અને શસ્ત્ર સરંજામ પાછળ કરાતા ખર્ચની વિગતો આપવામાં આવી છે. પરંતુ તે સાથે કુલ વૈશ્વિક લશ્કરી ખર્ચનો અંદાજ આપતા જણાવ્યું છે કે, વિશ્વનો કુલ લશ્કરી ખર્ચ ૨૦૨૩માં ૨.૪ ટ્રિલિયન ડોલર્સ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૧૦ વર્ષથી તે વધતો જ રહ્યો છે અને ૨૦૨૩માં તે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આ માટે કારણો જણાવતા તે રિસર્ચ ઇન્સ્ટીટયુટ જણાવે છે કે, યુરોપ (રશિયા-યુક્રેન યુદ્ધ), મધ્ય પૂર્વ (ઇઝરાયલ-હમાસ- ઇરાન યુદ્ધ) અને તાઇવાનની તંગદિલીને લીધે આ ખર્ચમાં અસામાન્ય વધારો થઈ ગયો છે. ગત વર્ષના પ્રમાણમાં ૨૦૨૩માં વૈશ્વિક સ્તરે લશ્કરી ખર્ચ વધી રહ્યો છે તેમ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીયા રીસર્ચ ઇન્સ્ટિટયુટના સિનિયર રિસર્ચર નાન રીયાને જણાવ્યું હતું. તેઓએ કહ્યું ૨૦૦૯ પછી વર્ષ-થી-વર્ષના સંદર્ભે જોતાં, આ સૌથી વધુ ખર્ચ વધારો છે. મીલીટરી ખર્ચ કરનારાઓમાં અનુક્રમે અમેરિકા, ચીન, રશિયા, ભારત અને સઊદી અરેબિયા આવે છે. તેમ પણ નાન રીયાને જણાવ્યું હતું. તેમણે કહ્યું યુક્રેન યુદ્ધને લીધે યુરોપના તમામ દેશોએ લશ્કરી ખર્ચમાં વધારો કર્યો છે. વૈશ્વિક સ્તરે ૨૦૨૩માં ૨૦૨૨ના વર્ષ કરતા ૬.૮ ટકા જેટલો લશ્કરી ખર્ચ વધ્યો છે. રશિયાએ તો તેના લશ્કરી ખર્ચમાં ૨૪ ટકાનો વધારો કરતાં તેનું લશ્કરી બજેટ ૨૦૨૩માં ૧૦૯ બિલિયન ડોલર્સ પહોંચાડયું છે. ૨૦૧૪માં રશિયાએ જયારે યુક્રેનના ક્રીમીયા દ્વિપકલ્પ ઉપર કબજો જમાવી દીધો ત્યારથી અત્યાર સુધીમાં તેના લશ્કરી ખર્ચમાં ૫૭ ટકાનો વધારો થયો છે. યુક્રેનના લશ્કરી ખર્ચમાં પણ ૫૧ ટકાનો વધારો થયો છે. અને તે ૬૪.૮ અબજ ડોલર પહોંચ્યો છે. તેને ૩૫ અબજ ડોલરની વિદેશી લશ્કરી સહાય પણ મળી છે જેમાં સૌથી મોટો હિસ્સો અમેરિકાનો છે.

 

 

(6:32 pm IST)