Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

બજેટનું અભૂતપૂર્વ રૂા.ર,ર૭,૦ર૯ કરોડનું કદ : સરકાર બે લાખ યુવાનોની ભરતી કરશે

ઉત્‍પાદન, દવા, ઉર્જા, ઇજનેરી, પ્રવાસન આઇ.ટી. વગેરે ક્ષેત્રે રોજગારીની ર૦ લાખ તકો ઉભી કરાશે

ગાંધીનગર, તા. ૩ : વિધાનસભામાં નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવેલ કે સામાજીક જવાબદારી નિભાવવા સાથે સરકારી અને અર્ધ સરકારી સેવામાં જોડાઇને કારકિર્દી બનાવવાની દરેક યુવાનને ઝંખના હોય છે. અમારી સરકાર આવા યુવાનોને વધુને વધુ તક આપવા માટે સતત પ્રયત્‍નશીલ છે. આ સભાગૃહને જણાવતા મને આનંદ થાય છે કે આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓમાં બોર્ડ કોર્પોરેશનમાં, અનુદાનિત સંસથાઓમાં અને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે બે લાખ યુવાનોની નવી ભરતી કરવામાં આવશે.

રાજય સરકારની વિવિધ પ્રોત્‍સાહક નીતિઓના કારણે રાજયમાં ઔદ્યોગિક ક્ષેત્રે તથા સેવાકીય ક્ષેત્રે મોટા પ્રમાણમાં મુડી રોકાણ વધી રહ્યું છે જેના કારણે વિવિધ પ્રકારના રોજગારીની વ્‍યાપક તકો ઉપલબ્‍ધ થઇ રહી છે. વેપાર, ઉદ્યોગધંધા, ખેતી, પશુપાલનને પ્રોત્‍સાહન આપવાની સાથે સાથે યુવાનોને રોજગારી પુરી પાડવા માટે અમે અનેક વિધ આયોજનો કર્યા છે. રાજય સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરી યુવાનો માટે ખાનગી ક્ષેત્રોમાં લાયકાત મુજબ નોકરી મેળવવા માટેનું પ્‍લેટફોર્મ ઉભુ કરવામાં આવ્‍યું છે. આગામી પાંચ વર્ષમાં મેન્‍યુફેકચરીંગ, ફાર્મા, એનર્જી, એન્‍જીનીયરીંગ ઇન્‍ફાસ્‍ટ્રકચર, આઇ. ટી., પ્રવાસન, હોસ્‍પિટાલીટી, ફુડ પ્રોસેસીંગ, બેન્‍કીંગ, સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે ર૦ લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.

આ અંદાજ પત્રમાં આરોગ્‍ય સુવિધાઓ, શૈક્ષણીક વ્‍યવસ્‍થા અને પીવાના પાણી જેવી પાયાની જરૂરીયાતોને વધુ સુદૃઢ કરવાની સાથે સાથે રસ્‍તાઓ, સિંચાઇ, વિજળી તથા બંદરોના વિકાસની માળખાગત સુવિધાઓનું મજબુતીકરણ અને નવી ઔદ્યોગીક નીતિ, નવી પ્રવાસન નીતિ, નવી સોલાર નીતિ વિગેરે દ્વારા રોજગાર સર્જન જેવા અગત્‍યના ક્ષેત્રો ઉપર અમારી સરકારે ખાસ ભાર મુકયો છે.

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને મૂર્તિમંત કરવા અમારી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વવાળી સરકારનું વર્ષ  ર૦ર૧-રર નું અને ગુજરાતના નાણામંત્રી તરીકે મારૂ ૯ મું અંદાજપત્ર રજુ કરતા હું અત્‍યંત હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવુ છું. કોરોનાના કપરાકાળમાં પણ અમે જાળવી રાખેલ ગુજરાતના વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા અત્‍યાર સુધીનું સૌથી મોટુ રૂા. ર,ર૭,૦ર૯ કરોડનું અંદાજપત્ર આગામી વર્ષ ર૦-ર૧-રર માટે હું રજુ કરૂ છું તેમ શ્રી નિતીન પટેલ જણાવ્‍યું હતું.

(1:20 pm IST)