Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

તેલંગાણામાં બ્લેકઆઉટનું ષડયંત્રઃ વીજ વિભાગે ચીની હેકર્સના પ્રયત્નને બનાવ્યો નિષ્ફળ

હેકર્સે તેલંગાણાની ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કરેલો

નવી દિલ્હી, તા.૩: ગત વર્ષે મુંબઈમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીની હેકર્સનો હાથ હોવાના સમાચાર વચ્ચે ચીની હેકર્સે મુંબઈની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટકરવા પ્રયત્ન કર્યો છે. જો કે, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયાના એલર્ટના કારણે ચીની હેકર્સના આ પ્રયત્નને નિષ્ફળ બનાવી દેવાયો છે. જાણવા મળ્યા મુજબ હેકર્સે તેલંગાણાની ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કરેલો. તે બંને તેલંગાણાની પ્રમુખ પાવર યુટિલિટી છે.

તપાસ દરમિયાન ચીની હેકર્સ પાવર સપ્લાયમાં અડચણ ઉભી કરવા ઈચ્છતા હોવાનું અને ડેટા ચોરી કરવા માંગતા હોવાનું સામે આવ્યું છે. ગેનકોએ આ જોખમને ધ્યાનમાં લઈને શંકાસ્પદ આઈપી એડ્રેસ બ્લોક કરી દીધા હતા અને રિમોટ એરિયામાં કામ કરી રહેલા અધિકારીઓ અને પાવર ગ્રિડના યુઝર્સના ડેટા બદલી દીધા છે.

એક અહેવાલ પ્રમાણે ૨૦૨૦ના મધ્ય ગાળાથી આજ સુધીમાં ઓછામાં ઓછા ૧૨ સંગઠનો, પ્રારંભિક વીજ કેન્દ્રો અને લોડ ડિસ્પેચ સેન્ટર્સના કોમ્પ્યુટર્સને ચીની હેકર્સ ગ્રુપે ટાર્ગેટ કરવા પ્રયત્ન કરેલો છે. હેકર્સ આ કોમ્પ્યુટર્સમાં માલવેર મોકલવા પ્રયત્ન કરી ચુકયા છે જેથી સેવાઓને મોટા સ્તરે બાધિત કરી શકાય.

ઈન્ટરનેટના વપરાશ પર નજર રાખતી અમેરિકી કંપની રેકોર્ડેડ ફ્યુચરના અભ્યાસ પ્રમાણે ચીની હેકર્સે અત્યાર સુધીમાં એનટીપીસી, ૫ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર્સ અને બે બંદરો ખાતે હેકિંગનો પ્રયત્ન કર્યો છે. મે ૨૦૨૦માં લદ્દાખ ખાતે ભારત અને ચીની સેના વચ્ચે સંઘર્ષ થયો તેના પહેલાથી જ આ પ્રકારની હેકિંગ ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી.

(3:54 pm IST)