Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

આત્મનિર્ભર ભારત... ગાયના છાણમાંથી બનશે દિવડા

રાષ્ટ્રીય કામધેનુ આયોગ ૧૧ કરોડ પરિવારો સુધી પહોંચાડી રહ્યું છે ૩૩ કરોડ દિવડા : ગાયના છાણમાંથી બનેલા દિવડાઓથી દિવાળીએ ઝગમગશે ઘરો : પશુપાલકોને પણ ફાયદો અને આવક થશે : દિવડાની સાથે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ પણ બનાવવાની યોજના

નવી દિલ્હી તા. ૬ : કોરોનાના કારણે દેશના તહેવારોનો રંગ ફીકો ન પડે એટલા માટે દિવાળીએ દેશમાં ગાયના છાણમાંથી બનેલ ૩૩ કરોડ દિવાઓથી દેશને ઝગમગાવવાની યોજના છે. રાષ્ટ્રીય રામધેનુ આયોગ (આરકેએ)ની યોજના મુજબ આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલ દિવાઓ ૧૧ કરોડ પરિવારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયોગના અધ્યક્ષ વલ્લભ કથિરીયાએ જણાવ્યું કે, આ વર્ષની દિવાળી કામધેનુ માતાને સમર્પિત કરવાની છે. તેના માટે વિભીન્ન રાજ્યોના ગૌસંવર્ધન આયોગ, સ્વયંસેવી સંગઠનો, મંદિરો, આશ્રમ, મઠ અને તેમની ગૌશાળાઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને મહિલા કો-ઓપરેટીવ સોસાયટીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

કથિરીયાના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનનાર દીવાઓના આ પ્રોજેકટને ગોમય દિપક કામધેનુ દિવાળી નામ આપવામાં આવ્યું છે. દિવાની સાથે સાથે લક્ષ્મી અને ગણેશ ભગવાનની મૂર્તિઓ પણ બનાવવાની યોજના છે. આ ઉપરાંત સ્વસ્તિક, શ્રી, શુભ-લાભ જેવા બેનર અને ઝાલર પણ બનાવવામાં આવશે.

ડો. વલ્લભ કથિરીયા અનુસાર, આ વર્ષે દિવાળીમાં એક લાખ દિવાઓ વારાણસીના ઘાટ પર સજાવવાની યોજના છે. એ જ રીતે અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિર આસપાસ પણ દિવા પ્રગટાવવાની યોજના છે. સાથે જ મથુરામાં પણ ગાયના છાણમાંથી બનેલ દિવાઓનો ઉપયોગ કરવામાં આવશે.  આ યોજનાથી એક તરફ લોકોને કામ મળશે તો બીજી બાજુ પશુપાલકો પણ આત્મનિર્ભર થશે. તેમને છાણના વેચાણથી આવક થશે તો છાણમાંથી દિવા બનાવનારા લોકોને કામની સાથે સાથે મહેનતાણુ પણ મળશે એટલે તેમની દિવાળી પણ સુધરશે.

(11:31 am IST)