Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ટ્રમ્પને હોસ્પિટલમાંથી મળી રજાઃ વ્હાઇટ હાઉસ પાછા ફર્યા

ટ્રમ્પની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છેઃ પરંતુ હજુ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નથી

વોશિંગ્ટન,તા. ૬:કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડોકટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પરંતુ હજુ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નથી. આથી તેમની આગળની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે. ટ્રમ્પને સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ સાડા ૬ વાગ્યાની આસપાસ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઈટ હાઉસ શિફ્ટ કરાયા. ડોકટરોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિનું ઓકિસજન લેવલ સામાન્ય છે અને તેમને રેમડેસિવીરનો પાંચમો ડોઝ હવે વ્હાઈટ હાઉસમાં જ આપવામાં આવશે.

હોસ્પિટલમાંથી રજા મળતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'હું આજે સાંજે ૬.૩૦ વાગે ગ્રેટ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી નીકળીશ. હું સારું મહેસૂસ કરી રહ્યો છું. તમારે લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. તેને તમારા જીવન પર હાવી ન થવા દો. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અમે કેટલીક સારી દવાઓ અને જાણકારીઓ વિકિસત કરી છે. હું ૨૦ વર્ષ પહેલા જેવું મહેસૂસ કરતો હતો તેનાથી પણ સારું મહેસૂસ કરી રહ્યો છું.'

ચૂંટણી ટાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પના પ્રચાર અભિયાન પર સવાલ ઊભો થઈ ગયો હતો. જો કે ટ્રમ્પે ત્યારે પણ કહ્યું હતું કે તેઓ જલદી સાજા થઈને અભિયાનની કમાન સંભાળશે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ અને તેમના હરિફ જો બિડેન વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ ગઈ છે. બીજી ડિબેટ ૧૫ ઓકટોબરે મિયામીમાં છે. ટ્રમ્પ અને તેમના સમર્થકોને આશા છે કે તેઓ આ ડિબેટ પહેલા સાજા થઈ જશે.

સારવાર દરમિયાન ટ્રમ્પ રવિવારે હોસ્પિટલમાંથી બહાર ઘૂમવા માટે નીકળ્યા હતાં. જેથી કરીને તેમની ખુબ ટીકાઓ થઈ હતી. ડોકટરોની સાથે જ અમેરિકી ઈન્ટેલિજન્સ ઓફિસર્સે રાષ્ટ્રપતિના આ પગલાંની ટીકા કરી હતી. વિશેષજ્ઞોનું કહેવું હતું કે આમ કરીને ટ્રમ્પે બીજા લોકોના જીવ પણ જોખમમાં મૂકયા છે. જયોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ પી, ફિલિપ્સ એ આ અંગે ટ્વીટ કરીને નારાજગી વ્યકત કરી હતી.

(11:32 am IST)