Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કોરોના અંગે WHOના ચોંકાવનારો દાવો

દર ૧૦માંથી ૧ વ્યકિત કોરોનાથી સંક્રમિત

ચેપને રોકી શકે તેવી કોઈ દવા કે વેકસીન તૈયાર થઈ શકી નથી

જીનેવા,તા.૬: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) ખુલાસો કર્યો છે કે વિશ્વભરમાં દર ૧૦માંથી એક વ્યકિત કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હોઈ શકે છે. કોરોના વાયરસને લઈને સોમવારે યોજાયેલી ડબલ્યુએચઓની ૩૪ સભ્યોની કાર્યકારી બોર્ડની બેઠકમાં ડોકટર માઈકલ રેયાને કહ્યું છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેનો મતલબ એ નથી કે વિશ્વની મોટા ભાગની જનસંખ્યા ખતરામાં છે. નોંધનીય છે કે વિશ્વભરમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે અને હજી સુધી તેની સામે સુરક્ષા આપે કે તેના ચેપને રોકી શકે તેવી કોઈ દવા કે વેકસીન તૈયાર થઈ શકી નથી.

નિષ્ણાતો પહેલા પણ કહેતા આવ્યા છે કે કોરોના વાયરસના જેટલા કેસ જાહેર કરવામાં આવી રહ્યા છે તેનાથી વધારે લોકો તેનાછી ચેપગ્રસ્ત થયા છે. તેનું કારણ તે કહેવામાં આવી રહ્યું છે કે કોરોના અરગ્રસ્ત દેશોમાં સ્વાસ્થ્યની પાયાની સુવિધાઓનો અભાવ છે. તેના કારણે કોરોનાનો સમયસર ટેસ્ટ કરવામાં આવી રહ્યો નથી અને લોકોની યોગ્ય સારવાર પણ થઈ શકતી નથી. ઘણા દેશોમાં કોરોના સામે લડવા માટે પૂરતા સાધનો પણ નથી જેના કારણે સાચા કેસનો આંકડો બહાર આવતો નથી.

ડબલ્યુએચઓના ઈમર્જન્સી મામલાના પ્રમુખ ડોકટર માઈકલ રેયાન પહેલા પણ કહી ચૂકયા છે કે વિશ્વમાં કયાંય પણ હર્ડ ઈમ્યુનિટીની પરિસ્થિતિ નથી. તેમણે કહ્યું હતું કે અમે હર્ડ ઈમ્યુનિટી હાંસલ કરવાની આશામાં રહેવા ઈચ્છતા નથી. વૈશ્વિક વસ્તીના રૂપમાં હજી પણ આપણે તે સ્થિતિની કયાં નજીકમાં કે આસપાસમાં પણ નથી જે વાયરસના ચેપને રોકવા માટે જરૂરી છે.

ડબલ્યુએચઓના ડાયરેકટરના વરિષ્ઠ સલાહકાર ડોકટર બ્રૂસ એલવર્ડે જણાવ્યું છે કે કોરોના વાયરસ વેકસીન સાથે વ્યાપક વેકસીનેશનના ઉદ્દેશ્યથી વિશ્વની ૫૦ ટકા વસ્તીથી વધારે લોકોને તેની મર્યાદામાં લાવવા પડશે. તેના માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એક મોટી યોજના પર પણ કામ કરી રહ્યું છે. જેનાથી વેકસીનની પહોંચ વિશ્વના તમામ દેશો સુધી સુનિશ્યિત કરી શકાય. નોંધનીય છે કે વિશ્વના ધનાઢ્ય અને સમૃદ્ઘ દેશોએ કોરોના વેકસીન માટે ઘણી કંપનીઓ સાથે કરાર પણ કરી લીધા છે. તેનાથી ગરીબ દેશોને કોરોનાની વેકસીન મળી મુશ્કેલ બની શકે છે.

હર્ડ ઈમ્યુનિટી કોઈ મેડિકલ પ્રક્રિયાનું નામ નથી. જો કોઈ ચેપી બીમારી ફેલાય તો હર્ડ ઈમ્યુનિટી તે અવસ્થા હોય છએ જયારે વસ્તીનો એક ચોક્કસ ભાગ બીમારી પ્રત્યે ઈમ્યુન થઈ જાય છે. એટલે કે બાકીની વસ્તીમાં વાયરસ ફેલાતો નથી. સામાન્ય રીતે હર્ડ ઈમ્યુનિટી શબ્દ વેકસીનેશનના સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે, હર્ડ ઈમ્યુનિટી ત્યારે પણ હાંસલ થઈ શકે છે જયારે પૂરતી સંખ્યામાં લોકો ચેપગ્રસ્ત થયા બાદ ઈમ્યુન થઈ જાય છે. કોરોનાની હર્ડ ઈમ્યુનિટીનો આ જ મતલબ છે. તે મુજબ જો એક ચોક્કસ વસ્તી ઈમ્યુન થઈ જાય છે તો તે લોકો કોઈ અન્યને ઈન્ફેકશન લગાવી શકશે નહીં. તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશનની ચેન તૂટી જશે.

(11:33 am IST)