Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

દેશી વેકસીન 'કોવાકસીન'માં ભેળવવામાં આવી છે એવી ચીજ કે લાંબા સમય સુધી નહિ ફરકે કોરોના

રોગપ્રતિકારક શકિત વધશે : લાંબા સમય સુધી મળશે ઇમ્યુનીટી

નવી દિલ્હી,તા.૬:ભારત બાયોટેકે તેની કોવિડ રસીમાં બીજી દવા મિકસ કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ કોરોના રસી Covaxindમાં Alhydroxiquim-II નામની સહાયક દવા ઉમેરશે. જે રસીની રોગપ્રતિકારક શકિતમાં ખાસ્સો વધારો કરશે અને કોરોનાથી લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડશે. કોઈપણ વેકસીનમાં તેની સહાયક દવાને ઉમેરવાથી રસીની કાર્યક્ષમતામાં ખાસ્સો વધારો થાય છે. જેનાથી રસીકરણ પછી શરીરમાં વધુ એન્ટિબોડીઝ બને છે અને લાંબા સમયગાળાની ઇમ્યુનિટી મળે છે. ViroVax એ ભારત બાયોટેકને Alhydroxiquim-II નામની સહાયક દવાના ઉપયોગ માટે લાઇસન્સ આપી દીધું છે. હાલમાં આ રસી ટ્રાયલના બીજા તબક્કા હેઠળ છે.

 ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર કૃષ્ણા અલ્લાના જણાવ્યા અનુસાર સહાયક દવા તરીકે એલ્યુમિનિયમ હાઇડ્રોકસાઇડનો ઉપયોગ અનેક કોવિડ રસીઓના વિકાસમાં થયો છે. તેઓએ જણાવ્યું હતું કે તે Th2 આધારિત રિસ્પોન્સ (એકસ્ટ્રા સેલ્યુલર પરોપજીવીઓ અને બેકટેરિયલ ઇન્ફેકશનને દૂર કરવા માટે જરૂરી ) ઉત્પન્ન કરે છે. Th2- આધારિત રિસ્પોન્સથી રસીથી સંબંધિત શ્વસન સમસ્યાઓ (VAERD અથવા ADE) નું કારણ બની શકે છે. અલ્લાના જણાવ્યા અનુસાર તેમની કંપનીએ સહાયક દવા તરીકે Imidazoquinoline કલાસની સહાયક દવાનો ઉપયોગ કર્યો છે. જે Th-1 આધારિત રિસ્પોન્સ આપે છે જેનાથી ADEનાં જોખમ ઘટે છે.

COVAXIN સિવાય ભારતમાં વધુ બે રસીના પરીક્ષણો ચાલી રહ્યા છે. આઈસીએમઆર-એનઆઈવીએ ભારત બાયોટેકના સહયોગથી COVAXIN ની રચના કરી છે. આ રસી માટે હ્યુમન કિલનિકલ ટ્રાયલ્સનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જયારે બીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. પ્રાણીઓ પરના પરીક્ષણમાં આ રસી ઈમ્યુન રિસ્પોન્સને ઉત્ત્।ેજિત કરવામાં સક્ષમ હતી.

ભારતમાં હાલ કુલ ત્રણ વેકસીન ટ્રાયલના જુદા જુદા તબક્કામાં છે. જેમાં બે સ્વદેશી છે જયારે એક યુકેની વેકસીન પર ભારતમાં ટ્રાયલ થઈ રહી છે. COVAXIN સ્વદેશી વેકસીન છે. જે તેના હ્યુમન ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. જયારે દુનિયાની સૌથી મોટી વેકસીન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે. કંપની દેશમાં તેમની રસી 'કોવિશિલ્ડ' નું પરીક્ષણ કરી રહી છે. આ રસીનું પરીક્ષણ તેના ત્રીજા તબક્કામાં છે. આ ઉપરાંત ઝાયડસ કેડિલાએ ZyCov-D નામની એક રસી વિકસાવી છે. જે દેશી કોરોના વેકસીન પણ તેના ટ્રાયલના બીજા તબક્કામાં છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૪૦-૫૦ કરોડ ડોઝ મેળવવાની આશા રાખે છે. જેનાથી ૨૦-૨૫ કરોડ લોકોને રસી આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનના જણાવ્યા અનુસાર નીતિ આયોગના ડો.વીકે પોલની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિ આખી યોજના તૈયાર કરી રહી છે. કેન્દ્ર સરકાર રસી મેળવ્યા બાદ રાજયોમાં ડોઝ મોકલશે. તેમને સંગ્રહ અને રસીકરણ માટેની વ્યવસ્થા કરવી પડશે. રાજયોમાંથી પહેલા રસી અપાવનારા લોકોની સૂચિ પણ માંગવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ રસીની સૌથી પહેલી ખેપ આરોગ્ય કર્મચારીઓ અને વર્કર્સ માટે સુરક્ષિત રાખવામાં આવશે અને તેમને આપવામાં આવશે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશની બહાર વિકસાવવામાં આવેલી રસી સલામતીના તમામ પરિમાણો પર ખરી ઉતર્યા બાદ જ ભારત આવશે. હર્ષવર્ધને કહ્યું કે વિદેશી રસી લોકોને સલામત અને અસરકારક છે તેની ખાતરી કર્યા પછી જ તેમને આપવામાં આવશે. રશિયન રસી સ્પુટનિક વી પર સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. સરકાર સિવાય અનેક ખાનગી કંપનીઓએ વિદેશી રસી ઉત્પાદકો સાથે સોદા કર્યા છે. એસ્ટ્રાઝેનેકા ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યુટે યુએસ કંપની Novavax સાથે પણ રસી માટે ટાયઅપ કર્યુ છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ રશિયાની Sputnik V રસી ભારત લાવવાની તૈયારી કરી રહી છે. તેમજ બાયોલોજિકલ ઇએ રસી માટે Johnson & Johnson સાથે ડીલ કરી છે.

(11:34 am IST)