Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પતિને બંધક બનાવી પત્ની સાથે રેપ કરાનારા ૪ને આજીવન કેદ

અલવરના થાનાગાજી વિસ્તારની ઘટના : ૨૦૧૯માં દંપતીને બંધક બનાવી પતિની નજર સામે પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું, સવા વર્ષમાં સજા થઈ

અલવર,તા.૬ : અલવરના થાનાગાજી વિસ્તારમાં લગભગ સવા વર્ષ પહેલા બહુચર્ચિત ગેંગરેપ કેસમાં એસસી-એસટી કોર્ટએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટમાં તમામ પાંચેય આરોપીઓને દોષી પુરવાર થયા છે. એસસી-એસટી કોર્ટના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટમાં સજા મુદ્દે ચર્ચા થયા બાદ ચાર દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેમાં દોષી હંસરાજને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા કરવામાં આવી છે. જ્યારે પાંચમા દોષી મુકેશને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચુકાદાને ધ્યાનમાં લઈ કોર્ટ પરિસરમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

      કોર્ટની આસપાસ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. સમગ્ર રાજસ્થાનને હલાવી દેનારો આ મામલો અલવરના થાનાગાજી પોલીસ સ્ટેશનમાં ૨ મે ૨૦૧૯ના રોજ નોંધાયો હતો. ઘટનાક્રમ અનુસાર આરોપીઓએ રસ્તે પસાર થઈ રહેલા એક દલિત દંપતીને બંધક બનાવી દીધું હતું. ત્યારબાદ પાંચ આરોપીઓએ પતિને યાતનાઓ આપવાની સાથે તેની નજર સામે જ પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ આ સમગ્ર ઘટનાક્રમનો અશ્લીલ વીડિયો બનાવી દીધો હતો. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. થાનાગાજી પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ ૧૮ મે ૨૦૧૯ના રોજ પાંચ આરોપીઓ અશોક, ઇન્દ્રાજ, મહેશ, હંસારાજ અને છોટેલાલની વિરુદ્ધ ગેંગરેપ, લૂંટફાટ, ધમકી, ગેરકાયદેસર રીતે વસૂલી અને એસસી-એસટી એક્ટમાં દોષી માનતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યારે મુકેશ કુમાર પર અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો આરોપી માનતા ચાર્જશીટ રજૂ કરી હતી.

(7:39 pm IST)