Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

આ દિવાળીએ ચીનને ૪૦ હજાર કરોડનો ઝાટકો આપવાની તૈયારી

'આ દિવાળીનો એક જ મંત્ર, ધ્વસ્ત કરશું ચીની તંત્ર' ભારતીય સમાન, આપણું અભિયાન : ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દોઢ લાખ કરોડની ચીની આયાત ઘટાડવાનું લક્ષ્ય : દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે

કોલકત્તા તા. ૬ : સરહદ પર ભારતીય સૈનિકો ચીની ડ્રેગનના મનસૂબાઓ પર પાણી ફેરવવા સજ્જ છે તો ચીનની આર્થિક કમર ભાંગી નાખવા માટે ભારતીય વેપારીઓએ પણ તૈયારી કરી લીધી છે.

ગણેશ ચતુર્થી, રક્ષાબંધન જેવા તહેવારોની મોસમમાં ભારતીય ઉદ્યોગોએ ચીનને ૪ હજાર કરોડ રૂપિયાનો ધૂંબો માર્યો છે તો હવે ભારતની સૌથી મોટા તહેવારોની મોસમ દિવાળીમાં ડ્રેગનની કંપનીઓને ૪૦ હજાર કરોડ રૂપિયાના ભારતીય બજારમાંથી બહાર કાઢવાની પુરી તૈયારીઓ કરી લેવાઇ છે. કેટલાય સંગઠનોએ એવા ૩ હજાર ઉત્પાદનોની યાદી બનાવી છે જેની આયાત ન થાય તો ભારતને કંઇ અસર ન થાય.

વેપારીઓના મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ દેશભરમાં ચીની વસ્તુઓના બહિષ્કાર અંગે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે જેના માટે સૂત્ર રાખવામાં આવ્યું છે. 'આ દિવાળીનો એક જ મંત્ર, ધ્વસ્ત કરીશું ચીની તંત્ર', ભારતીય સામાન - આપણું અભિમાન. કેટએ ડીસેમ્બર-૨૦૨૧ સુધીમાં ચીની વસ્તુઓની આયાતમાં દોઢ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કુંભારોને માટીના લક્ષ્મી, ગણેશ, દિવાઓ વગેરે બનાવવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે.

કેટે કહ્યું કે, કેન્દ્રના આત્મનિર્ભર અભિયાન અને વોકલ ફોર લોકલને આગળ વધારતા સંઘે પહેલ કરી છે. તેનાથી ચીનની આર્થિક કમર ભાંગશે અને ભારતમાં લોકોના રોજગારમાં વધારો થશે.

(3:34 pm IST)