Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મહારાષ્ટ્રને બદનામ કરવા માટે કાવતરું રચાયું : નવ દેશોમાં 80 હજારથી વધુ ફેક સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવાયા

મુંબઈ પોલીસના સાઇબર યુનિટના એક રિપોર્ટમાં ઘટસ્ફોટ : તપાસના આદેશ

મુંબઈ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંતસિંહ રાજપૂતના કેસ બાબતે મહારાષ્ટ્રને બદનામ કરવા માટે કાવતરું રચાયું હોવાનો મંગળવારે આરોપ મૂક્યો હતો. તેમણે આ મામલે તપાસનો આદેશ પણ આપી દીધો છે. મુંબઈ પોલીસના સાઇબર યુનિટના એક રિપોર્ટમાં પણ જણાવાયું છે કે, સુશાંતના કેસમાં મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા માટે નવ દેશોમાં ૮૦,૦૦૦ જેટલા બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યાં છે.

મુંબઈ પોલીસના સાઇબર સેલે મુંબઈ શહેરના પોલીસ કમિશનર અને મુંબઈ પોલીસનો અપપ્રચાર કરવા બદલ અજાણી વ્યક્તિઓની વિરુદ્ધ બે એફઆઈઆર પણ દાખલ કરી હતી. દેશમુખે જણાવ્યું હતું કે, આ મામલે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર પોલીસની સાઇબર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરશે. દેશમુખે સુશાંતના કેસમાં એમ્સના રિપોર્ટ વિશે જણાવ્યું હતું કે, એમાં અમારા તારણને સમર્થન આપવામાં આવ્યું છે કે, સુશાંતને ઝેર નહોતું આપવામાં આવ્યું.

મુંબઈ સાઇબર પોલીસની ટીમે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સુશાંતનાં મોત બાદથી છેલ્લા ત્રણ મહિનામાં બનાવવામાં આવેલા બનાવટી એકાઉન્ટ્સ અને એના માટે ઉપયોગમાં લેવામાં આવેલા આઈપી એડ્રેસીસની વિગતો આપવા જણાવાયું છે. શરૂઆતમાં સાઇબર પોલીસે એ તમામ એકાઉન્ટ્સ અને મેસેજીસને બ્લોક કરી દેવા જણાવ્યું હતું. હવે આ એકાઉન્ટ્સની વિગતો મેળવવામાં આવી રહી છે.

(1:45 am IST)