Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

૧૫મીથી રાજ્યમાં સિનેમા, મલ્ટીપ્લેક્ષ, ડ્રાઇવ-ઇન સિનેમા અને ટુરીંગ સિનેમા તથા વીડિયો સિનેમા શરૂ કરવા માહિતી અને પ્રસારણ વિભાગનો ઠરાવઃ ૫૦ ટકા જ લોકોનો સમાવેશ કરવો ફરજીયાતઃ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અને નિયમોનો ચૂસ્તપણે અમલ કરવો પડશે

ગાંધીનગરઃ અનલોક-૫માં ૧૫મી ઓકટોબરથી રાજ્યમાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ડ્રાઇવ-ઇન સિનેમા તથા ટુરીંગ અને વીડિયો સિનેમા શરૂ કરવાની મંજૂરી આપતો ઠરાવ સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ-ગાંધીનગર દ્વારા આજે કરવામાં આવ્યો છે.

આ ઠરાવમાં જણાવાયા મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર અન્વયે લોકડાઉનથી સનેમા, મલ્ટીપ્લેક્ષ, ડ્રાઇવ-ઇન સિનેમા અને ટુરીંગ સિનેમા તથા વીડિયો સિનેમા વગેરે ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૫ની ગાઇડલાઇન મુજબ સિનેમાઘરોને કેટલીક શરતોને આધીન શરૂ કરવાની છૂટછાટ આપી છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૫મી ઓકટોબરથી સનેમા, મલ્ટીપ્લેક્ષ, ડ્રાઇવ-ઇન સિનેમા અને ટુરીંગ સિનેમા તથા વીડિયો સિનેમા વગેરેને હોલની ફુલ કેપેસીટીના ૫૦ ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપીને મનોરંજનની પ્રવૃત્તિ શરૂ કરવાનો ઠરાવ આજરોજ કરાયો છે. આ અંગેની શરતોમાં કોવિડ-૧૯ અંગે સરકારે આપેલી ગાઇડલાઇન જેમ કે, ફરજીયાત માસ્ક, હેન્ડ સેનીટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સ અને સંકૂલમાં ડિસ ઇન્ફેકશનની કામગીરી, મેડીકલ ચેકઅપ વગેરે જેવા નિયમોનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે તેમજ એક ખુરશી છોડીને બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

(12:00 am IST)