Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હાથરસકાંડમાં નવો વળાંક : આરોપી અને પીડિત પરિવાર એક વર્ષથી હતા સતત સંપર્કમાં:104 વખત ફોનમાં વાત થઇ

62 ફોન પીડિતાના પરિવાર તરફથી અને 42 ફોન સંદિપ સિંહ દ્વારા કરાયા

હાથરસ કાંડમાં હવે એક નવો જ વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસની તપસામાં નવી જ વાત સામે આવી છે કે આ ઘટનાનો મુખ્ય આરોપી અને પીડિતાનો પરિવાર છેલ્લા એક વર્ષથી સંપર્કમાં હતા. હાથરસમાં એક દલિત યુવતી પર કથિત ગેંગરેપ અને હત્યાની ઘટના બની છે. તે જ ગામનો સંદિપ સિહ આ ઘટનાનો મુખ્ય આરોપી છે.

ઉત્તર પ્રદેશ પોલીસ પીડિતાના પરિવાર અને આરોપીના ફોન રેકોર્ડની તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે કે પીડિત પરિવાર અને આરોપી સંદિપ સિંહ વચ્ચે ટેલિફોનિક વાતચીતનો સિલસિલો ગયા વર્ષથી જ શરુ છે. 13 ઓક્ટોબર 2019ના દિવસે આ વાતચીત શરુ થઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાથરસ પીડિતાના ભાઇના નામ ઉપર જે નંબર રજીસ્ટર છે, તે નંબર અને આરોપી અને સંદિપ સિંહ વચ્ચે આ એક વર્ષમાં 104 વખત વાતચીત થઇ છે. જેમાંથી 62 ફોન પીડિતાના પરિવાર તરફથી કરવામાં આવ્યા છે, તો 42 ફોન સંદિપ સિંહ તરફથી કરવામાં આવ્યા છે. પીડિતાના પરિવારમાંથી કોણ સંદિપ સિંહ સાથે વાત કરતું હતું તે હજુ સામે આવ્યું નથી.

મોટાભાગના ફોન ચંદપા ક્ષેત્રમાંથી કરવામાં આવ્યા છે, જે પીડિતાના ઘરથી માત્ર બે કિમી દૂર છે. આ નવા જ ખુલાસાથી આખી ઘટનાને નવો એંગલ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક રિપોર્ટમાં પણ પીડિતા સાથે દુષ્કર્મ થયાની વાત નકારવામાં આવી હતી.

(12:00 am IST)