Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

અમેરિકાના અર્થતંત્ર પર સંકટના વાદળો ઘેરાયા : ઓગસ્ટમાં વેપાર ખાધ 14 વર્ષની ટોચે પહોંચી

ઓગસ્ટમાં વેપારખાધ 5.9 ટકા વધીને 67.1 અબજ ડોલરને આંબી:કુલ વેપારખાધ 421.8 અબજ ડોલરે પહોંચી

ન્યુયોર્કઃ કોરોના વાયરસની મહામારીથી દેશ અને દુનિયાના તમામ દેશોની અર્થવ્યવસ્થા હચમચી ગઇ છે અને તેનાથી પ્રતિકુળ અસરોથી જગત જમાદાર ગણાતા અમેરિકા પણ બચી શક્યુ નથી. અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ કોરોના મહામારીથી મોટો ફટકો પડી રહ્યો છે.

અમેરિકાની વેપારખાધ ઓગસ્ટ મહિનામાં વધીને 14 વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગઇ છે, યુએસ ઇકોનોમી માટે ચિંતાજનક છે. અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અમેરિકામાં માલસામાન અને સેવાઓની આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત ઘણો વધી ગયો છે અને તેના પરિણામ સ્વરૂપ તેની વેપારખાધ પણ 5.9 ટકા વધીને 67.1 અબજ ડોલરને આંબી ગઇ છે. અલબત રાજકીય રીતે સંવેદનશીલ ગણાતી ચીન સાથેના વેપારમાં અમેરિકામાં ટ્રેડ ડેફિસિટ 6.7 ટકા ઘટીને 26.4 અબજ ડોલર થઇ છે.

ચાલુ કેલેન્ડર વર્ષ 2020માં જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન અત્યાર સુધીમાં અમેરિકાની કુલ વેપારખાધ 421.8 અબજ ડોલરે પહોંચી ગઇ છે જે વાર્ષિક તુલનાએ 5.7 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન અમેરિકાની નિકાસ 2.2 ટકા વધીને 171.9 અબજ ડોલર થઇ છે પરંતુ આયાત 3.2 ટકા વધીને 239 અબજ ડોલર થઇ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે અમેરિકાની વેપારખાધ ઓછી કરવા માટે ઝુંબેશ ચલાવ્યુ છે અને તે હેઠળ ચીનની ઘણી ચીજવસ્તુઓ ઉપર ઇમ્પોર્ટ ટેરિફ લાદી છે અથવા તેમાં વધારો પણ કરાયો છે.

(12:00 am IST)