Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રેલવેએ બદલ્યો નિયમ

રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા પછી પણ કરી શકાશે બુકિંગ

ઘણા મુસાફરો અંત સમયે ટ્રિપ કેન્સલ કરે છે જેના કારણે તેમની ખાલી સીટ પર અન્ય મુસાફરોને રિઝર્વેશન મળી શકે તે માટે કરાયો નિર્ણય

નવી દિલ્હી,તા. ૭:કોરોના પિરિયડમાં ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે. હવે રેલવેએ પહેલાની જેમ લાંબા અંતરની ટ્રેનો દોડાવવાનું શરૂ કરી દીધું છે. રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં મુસાફરોને વધુ એક સુવિધા મળશે. આ સુવિધા છે, કોઈ ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા પછી પણ મુસાફરોને બર્થ અથવા સીટ બુકિંગ કરવાની સુવિધા મળશે. આ સુવિધા આગામી ૧૦ ઓકટોબરથી દેશભરમાં લાગુ થશે.

કોરોના યુગમાં કોઈપણ ટ્રેનનો ફાઈનલ ચાર્ટ ઓછામાં ઓછા ચાર કલાક અગાઉથી તૈયાર કરવામાં આવે છે. ફાઈનલ ચાર્ટ તૈયાર થયા પછી પણ, દ્યણા મુસાફરો કોઈ અન્ય કારણોસર તેમનો કાર્યક્રમ બદલી નાંખે છે અથવા ટ્રીપ મુલતવી રાખે છે. આવી સ્થિતિમાં આ સીટ ખાલી રહે છે. ટ્રેનની ખાલી બચેલી સીટો પર અન્ય જરૂરિયાતમંદ મુસાફરોને રિઝર્વેશન મળે તે માટે રેલવે બે રિઝર્વેશન ચાર્ટ બનાવે છે. પહેલા ચાર્ટ ચાર કલાક પહેલા અને બીજો ચાર્ટ ટ્રેન ડીપાર્ટ થાય તેના ૩૦ મિનિટ પહેલા જાહેર કરે છે. કોરોનાકાળમાં આ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં ફાઈનલ ચાર્જ ૪ કલાક પહેલા જ જાહેર કરવામાં આવે છે.

રેલવે મંત્રાલયે (ભારતીય રેલ્વે) હવે નિર્ણય લીધો છે કે આરક્ષણ ચાર્ટની જૂની સિસ્ટમ ૧૦ ઓકટોબરથી લાગુ કરવામાં આવશે. મતલબ કે ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા ૪ કલાક પહેલાં રિઝર્વેશનનો પહેલો ચાર્ટ તૈયાર કરવામાં આવશે. આમાં ખાલી બેઠકો અથવા બર્થ પર મુસાફરો ઓલાઇન અથવા કાઉન્ટર પરથી બુકિંગ કરી શકાશે. આ પછી, બીજો રિઝર્વેશન ચાર્ટ ૫ મિનિટથી ૩૦ મિનિટ પહેલાં ટ્રેન ખુલતા પહેલા તૈયાર થઈ જશે. આ સમયમાં એવા મુસાફરોને રિઝર્વેશન મળશે જેઓ મહિનાઓ પહેલા સીટ બુક નથી કરાવી શકયા.

(10:30 am IST)