Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મોંઘવારી અંગે મંથન : EMIમાં રાહતની શકયતા

ભારતીય રિઝર્વ બેંકની ૩ દિવસની બેઠકનો પ્રારંભ : ૯મીએ મોટી જાહેરાતની સંભાવના

નવી દિલ્હી તા. ૭ : ૨૮ સપ્ટેમ્બરથી રીઝર્વ બેંક મૌદ્રિકનીતિ સમિતિની બેઠક યોજાવાની હતી પરંતુ અંતિમ સમયમાં તેને ટાળી દેવામાં આવી હતી. હવે અંદાજે ૯ દિવસ બાદ આજથી નાણાકીય સમિતિની બેઠકનો પ્રારંભ થશે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ બેઠકના પરિણામો ૯ ઓકટોબરે આવશે. ફેસ્ટીવ સીઝનને જોઇને આ બેઠક ખૂબ જ મહત્વની છે.

આ દિવસે રેપોરેટ દ્વારા એ નક્કી થશે કે લોનના વ્યાજદરોમાં રાહત થશે કે નહીં. ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટ મહિનામાં આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપોરેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. કેન્દ્રીય બેંક એ પહેલા છેલ્લી બે બેઠકોમાં રેપો રેટમાં ૧.૧૫ ટકાનો ઘટાડો કર્યો છે. હાલમાં રેપો દર ચાર ટકા રિવર્સ રેપો દર ૩.૩૫ ટકા છે.

આરબીઆઇની બેઠકમાં મોંઘવારી અંગે ચર્ચા થવાની શકયતા છે. થોડાક સમય પહેલા મોંઘવારી દરના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે ૬ ટકાને પાર કરવામાં આવી છે. જાણકારોની માનવામાં આવે તો ખુદરા મુદ્રા સ્ફીતીમાં વધારાનું કારણ ભારતીય રિઝર્વ બેંક આગામી મૌદ્રિક સમીક્ષામાં વ્યાજદરોને યથાવત રાખી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે રીટેલ મોંઘવારી વધી છે જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજદરોમાં બદલાવની સંભાવના ઓછી છે.

સીઆઇઆઇએ કહ્યું હતું કે રીઝર્વ બેંકે તેમના નરમ વલણને યથાવત રાખવું જોઇએ. ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી વધવાના કારણે હાલમાં કેન્દ્રીય બેંકોના દરોમાં ઘટાડાથી બચવું જોઇએ.

જો કે આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસે સ્પષ્ટ કર્યું હતું કે, કોરોના કાળમાં ઇકોનોમીને બુસ્ટ આપવા માટે કેન્દ્રીય બેંક જરૂરી પગલા ભરાશે.

(11:05 am IST)