Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

નવરાત્રીના દિવસોમાં થતા કરોડો રૂપિયાના બિઝનેસને કોરોનાનું ગ્રહણ

આ વર્ષે ગરબા યોજાયા હોત તો આ બિઝનેસ ઓછાંમાં ઓછો રૂ.૧૮૦૦૦ થી ૨૦,૦૦૦ કરોડને આંબી ગયો હોત : લાઈટ, મંડપ, ડેકોરેશન, ફૂલ બજાર, મીઠાઈ, ટ્રાન્સપોર્ટ, વસ્ત્ર પરિધાન, વાસણ, અગરબત્તી, ધૂપ-દીવા, ઓરકેસ્ટ્રા અને સિંગર - બધાને અસર

મુંબઇ,તા.૭ : કોરોનાના કારણે આ વર્ષે નવરાત્રિની ઉજવણી મર્યાદિત રહેવાની સંભાવના વરતાય છે. જોકે રોજગારી અને આર્થિક રીતે જોઇએ તો ઉજવણી ન થતા કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતના અર્થતંત્રને થશે. હજારો લોકોને નવ દિવસમાં મળતી રોજગારી પણ છીનવાઈ જશે.

નવરાત્રીના નવ દિવસમાં લાઈટ, મંડપ, ડેકોરેશન, ફૂલ બજાર, મીઠાઈ, ટ્રાન્સપોર્ટ, વસ્ત્ર પરિધાન, વાસણ બજાર, અગરબત્ત્।ી બજાર, ધૂપ-દીવા બજાર, ઓરકેસ્ટ્રા અને સિંગર કંપની સહિતના ક્ષેત્રોને ખૂબ મોટો ફાયદો થતો હોય છે. કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સરકારે ઉજવણી મુલતવી રાખવાનું નક્કી કરતા હવે તમામ ધંધાના ટર્નઓવર ખોરવાઇ જવાના છે.

આરસી ઇવેન્ટના એમ.ડી. રાજીવ છાજડ જણાવે છે કે 'ગુજરાતના મોટા શહેરોમાં અલગ-અલગ પાર્ટીપ્લોટમાં ગરબાની સંખ્યા કમ સે કમ ૧૫૦ થી ૨૦૦ ની આસપાસ રહે છે જેમાં એક પાર્ટી પ્લોટ નવ દિવસમાં એક કરોડ જેટલી રકમ કમાઇ લે છે. જોકે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરના પાર્ટી પ્લોટ ૧૦-૨૦ કરોડનું ટર્ન ઓવર કરતા હોય છે. જે આ વર્ષે'નહીં થાય.'

૨૦૧૪માં વ્યાપાર સંગઠન એસોચેમ દ્વારા ગુજરાતી ગરબાના બજેટ ઉપર સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે એ સમયે ગુજરાતનો દસ દિવસનો ગરબા ફેસ્ટિવલ રૂ.૧૨,૫૦૦ કરોડની આસપાસ હતો અને દર વર્ષે માત્ર ૧૦ ટકાની વૃદ્ઘિ ગણીએ તો પણ જો આ વર્ષે ગરબા યોજાયા હોત તો આ બિઝનેસ ઓછાંમાં ઓછો' રુ.૧૮૦૦૦ થી ૨૦,૦૦૦ કરોડને આંબી ગયો હોત.

નવરાત્રીનું યુવાઓમાં એવું દ્યેલું છે કે સ્કીન સ્પેશ્યાલીસ્ટ કે બ્યૂટીએકસપર્ટસ ને ત્યાં બેક ટેટુ અને ટેટુ રિમૂવલના પણ મોટા પેકેજ શરૂ થઈ ગયા હતા. સ્કિન સ્પેશિયાલિસ્ટ એમડી ડોકટર પિનાકીન દેસાઈ જણાવે છે કે 'નવરાત્રી દરમિયાન સરેરાશ એક' ડર્મેટોલોજિસ્ટ ૫૦ હજારથી ત્રણ લાખનો બિઝનેસ અમદાવાદમાં કરતા હતા જે આ વખતે નહીં થાય'

ચણીયા ચોલી અને પારંપરિક ડ્રેસ અમદાવાદથી આખા ભારતમાં જતા હતા અને તેનું કામ વર્ષના નવ મહિના ચાલતું હતું તેમાં પણ મોટી બ્રેક લાગી છે. નાના નાના ગામોમાં ચણિયાચોળી અને અલંકારો ભાડે આપવાનો બિઝનેસ પણ મોટાપાયે ચાલતો હતો તેને ઠેસ લાગી છે. આ વર્ષે એ ધંધો નહીં થાય. ગુજરાતમાં સદીઓથી નવરાત્રી આસ્થાનું પ્રતીક ગણાય છે અને ધીરે-ધીરે આસ્થા સાથે કારોબાર પણ ઉમેરાયો અને આના કારણે વર્ષેદહાડે હજારો લોકો માત્ર ૧૦ દિવસમાં સારી કમાણી કરી લેતા હતા અને અર્થચક્રને જીવંત રાખવા નવરાત્રિનો મહોત્સવ માતાજીના આશીર્વાદ રૂપ હતો. આ વર્ષે કોરોનાના લીધે જાણે માતાજીના આશીર્વાદ છીનવાઈ ગયા હોય તેવું લાગે છે.

(11:13 am IST)