Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભારતમાં કોરોના સંક્રમિતોનો આંક ૬૭ લાખને પારઃ ૧.૦૪ લાખ દર્દીઓનાં મોત

દેશમાં ૨૪ કલાકમાં ૭૨,૦૪૯ નવા કેસ નોંધાયાઃ ૯૮૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, તા.૭: દેશમાં કોરોનાસંક્રમિતોનો આંક ૬૭ લાખને પાર થઈ ગયો છે બીજી તરફ સોમવારે આંશિક રાહત બાદ મંગળવારે સંક્રમિત લોકોની સંખ્યામાં ૧૦ હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૨,૦૪૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૮૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૬૭,૫૭,૧૩૨ થઈ ગઈ છે.

 વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૫૭ લાખ ૪૪ હજાર ૬૯૪ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૯,૦૭,૮૮૩ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૪,૫૫૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૮,૨૨,૭૧,૬૫૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૧,૯૯,૮૫૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં ૬ ઓકટોબરે કોરોના વાયરસના ૧૩૩૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૪૭૩ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના૧૦ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૪૫,૩૬૨ એ પહોંચી ગયો છે.

(11:21 am IST)