Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

૫૮ ટકા યુવા મહિલાઓ ઓનલાઇન સતામણીનો ભોગ બને છે

મહિલાઓએ સ્વીકાર્યુ હતું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ અને ટિકટોક જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની જાતીય સતામણી થાય છે

નવી દિલ્હી, તા.૭ : ૨૨ દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ૫૮ ટકા મહિલાઓ ઓનલાઇન સતામણીનો ભોગ બને છે. બ્રિટન સ્થિત માનવીય સંગઠન પ્લાન ઇન્ટરનેશનલ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ગર્લ્સ રિપોર્ટ નામનો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં ભારત, બ્રાઝીલ, નાઇજિરિયા, સ્પેન, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઇલેન્ડ અને અમેરિકા સહિત ૨૨ દેશોની ૧૫ થી ૨૫ વર્ષની ૧૪,૦૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો.

૧૧ ઓકટોબરે યોજાનાર ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ, ૨૦૨૦ અગાઉ જાહેર થયેલા આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૫૮ ટકા મહિલાઓએ સ્વીકાર્યુ હતું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ અને ટિકટોક જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની જાતીય સતામણી થાય છે.

આ અહેવાલ મુજબ યુરોપમાં ૬૩ ટકા, લેટિન અમેરિકામાં ૬૦ ટકા, એશિયા-પેસિફિક વિસ્તારમાં ૫૮ ટકા, આફ્રિકામાં ૫૪ ટકા અને ઉત્ત્।ર અમેરિકામાં ૫૨ ટકા મહિલાઓએ સ્વીકાર્યુ હતું કે તેમની ઓનલાઇન સતામણી થઇ છે.

આ અહેવાલ મુજબ ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાને જાતીય હિંસાની ધમકીઓ આપવામાં આવે છે. મહિલાઓ વિરુદ્ઘ વંશીય ટિપ્પણી પણ કરવામાં આવે છે. જે મહિલાઓની ઓનલાઇન સતામણી થઇ હતી તે પૈકી ૪૭ ટકા મહિલાઓને શારીરિક અને જાતીય હિંસાની ધમકી આપવામાં આવી હતી અને ૫૯ ટકા મહિલાઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લઘુમતી અને સમલિંગી સમુદાયની સમુદાયની મહિલાઓએ જણાવ્યું હતું કે ઓળખને કારણે તેમની સતામણી કરવામાં આવે છે. એક એપ્રિલથી ૫ મે દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વે મુજબ સમલિંગી તરીકે ઓળખ આપનારી મહિલાઓ પૈકી ૪૨ ટકા મહિલાઓ, વિકલાંગ તરીકેની ઓળખ આપનારી મહિલાઓ પૈકી ૧૪ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે ઓળખને કારણે તેમની સતામણી કરવામાં આવી હતી.

ઓનલાઇન સતામણીનો ભોગ બનનાર મહિલાઓને સોશિયલ મીડિયાની બહારની દુનિયામાં પણ તેની અસરનો સામનો કરવો પડે છે. ૪૨ ટકા મહિલાઓ માનસિક તણાવનો ભોગ બને છે.

ઓનલાઇન સતામણીનો ભોગ બન્યા પછી પાંચમાંથી એક મહિલા એટલે કે ૧૯ ટકા મહિલાઓએ સોશિયલ મીડિયા છોડી દીધું છે અથવા તેનો ઉપયોગ ઘટાડી દીધો છે.

(11:22 am IST)