Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કલાસાધક કમલેશ મોતાની ઓચિંતી વિદાય

કલાકેન્દ્રમાં ૧૮ વર્ષથી ડાયરેકટર ઓફ પ્રોગ્રામરની ફરજ બજાવતા હતા : ગુજરાતી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો : કલાક્ષેત્રની દુનિયામાં શોકનું મોજુ

મુંબઇ, તા ૭ : ગુજરાતી રંગભૂમિ અને ભારતીય વિદ્યા ભવન-કલાકેન્દ્રનું નામ આવે કે તરત સૌ નાટ્યપ્રેમી કે કલાકારોને જે નામ સાંભરે તે કમલેશ મોતાએ જીવનના રંગમંચ પરથી ઓચિંતી વિદાય લીધી.  કલાકેન્દ્રમાં છેલ્લા ૧૮ વર્ષથી ડાયરેકટર ઓફ પ્રોગ્રામની ફરજ બજાવતા ગુજરાતી રંગભૂમિના એક ઉત્તમ કક્ષાના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા કમલેશ મોતાનું પ૭ વર્ષની વયે ગઇકાલે વહેલી સવારે હાર્ટએટેકને કારણે અવસાન થયું છે. પ્રયોગશીલ નાટકો અને સતત નવા કાર્યક્રમો માટે પણ તેઓ જાણીતા હતાં. તેમણે પોતાના અભિનય અને દિગ્દર્શન દ્વારા અનેક અવિસ્મરણીય નાટકો આપ્યા છે. જેના ઉપરથી હિન્દી ફિલ્મ પણ બની છે.

કમલેશ મોતાને મલેરિયા થતાં ત્રણ દિવસથી દક્ષિણ મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જયાં તેમને સોમવારની મધરાતે છાતીમાં દુઃખાવો ઉપડતા તેમણે ઘરે ફોન કરીને જણાવ્યું હતું. પત્ની અપરામી અને બાળકો ધ્રુવ અને શારવી તેમને મોડી રાત્રે જ હોસ્પિટલમાં મળવા પહોંચી ગયા, પરંતુ તેમની આખરી મુલાકાત થઇ શકી નહોતી. જોકે એ હોસ્પિટલમાં કોરોના દર્દી પણ હોવાથી ડોકટરની કડક સૂચનાથી માત્ર ઘરના સભ્યોની હાજરીમાં વહેલી સવારે તેમના પાર્થિક દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

આ સમાચારની જાણ તેમના મિત્ર, ચાહક વર્ગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

(11:29 am IST)