Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ટુંક સમયમાં એકશનની તૈયારી

૧૪૨ ડ્રગ સિન્ડીકેટ -૧.૪૦ લાખ કરોડનો હેરોઇનનો વેપાર : ૨૦ લાખ નશાબાજો : બધા NCBના રડાર પર

નવી દિલ્હી,તા. ૭: ૧૪૨ ડ્રગ સીન્ડીકેટ, ૧ લાખ ૪૦ હજાર કરોડનો હેરોઇનનો કારોબાર અને તેના નશાના વ્યસની ૨૦ લાખ લોકો આ બધા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના રડાર પર આવી ચૂકયા છે. એનસીબી દ્વારા કરવામાં આવેલ એક વિશ્લેષણમાં આ આંકડાઓ એવા સમયે આપવામાં આવ્યા છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલીવુડના કેટલાય કલાકરો ડ્રગ્સ કેસમાં ઘેરાયા તો બીજી બાજુ કન્નડ ફિલ્ડ ઇન્ડસ્ટ્રીમાં પણ તેની તપાસ ચાલી રહી છે.

એનસીબી તરફથી કરાવાયેલ વિશ્લેષણ અનુસાર, સીન્ડીકેટો અબજો રૂપિયાના આ ધંધામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. અને તેમની લીંક પશ્ચિમ યુરોપ, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, સાઉથ અમેરિકી દેશો અને પશ્ચિમ એશીયામાં છે. એનસીબીનું અનુમાન છે કે ૩૬૦ ટન રીટેલ કવોલીટી હેરોઇન અને ૩૬ ટકા હોલસેલ કવોલીટીનું હેરોઇન જે વધારે શુધ્ધ હોય છે. આ બધુ દેશના અલગ અલગ શહેરોમાં વેચવામાં આવે છે. રોજના લગભગ ૨૦ લાખ લોકો ૧૦૦૦ કિલો હાઇ કવોલીટી હેરોઇનનો નશો કરે છે.

પંજાબ ડ્રગ તસ્કરીનું કેન્દ્ર બનેલુ છે. ગયા વર્ષે રાજ્યમાંથી ૧૫,૪૪૯ લોકોની ધરપકડ કરાઇ હતી. જ્યારે દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ૭૪,૬૨૦ લોકો પકડાયા હતા. આ જ રીતે ૨૦૨૦માં કુલ ૧૮,૬૦૦ લોકોમાંથી ૫૨૯૯ લોકો પંજાબમાંથી પકડાયા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ હાલમાં જ આ તથ્યો ગૃહપ્રધાન અમિતશાહને આપ્યા  છે. એવું જણાવાઇ રહ્યુ છે કે ગૃહપ્રધાન સીન્ડીકેટસ પર કાર્યવાહીના આદેશો આપ્યા છે.

મોટી ડ્રગ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવા માટે અનેસીબી ચીફ રાકેશ અસ્થાના નેતૃત્વમાં કાર્યવાહી કરાઇ રહી છે. એનસીબીના રડાર પર આવેલ ૧૪૨ સીન્ડીકેટની માહિતી આપતા એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ કે તેમાંથી ૨૫ પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાંથી પોતાનું કામ કરે છે. રાજસ્થાનમાં ૯ સીન્ડીકેટ છે. જ્યારે મહારાષ્ટ્ર અને ગોવાની મળીને ૯ સીન્ડીકેટ છે.

(11:30 am IST)