Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

15મીથી સિનેમા તો શરૂ થઇ રહ્યા છે પરંતુ નવી ફિલ્‍મો રિલીઝ નહીં થતા માલિકો અવઢવમાં

રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા unlock 5 માટેની માર્ગદર્શીકા જાહેર કરી દેવામાં આવી છે, જે અંતર્ગત કોરોના મહામારીના કારણે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા થિયેટર મલ્ટિપ્લેક્સને શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે આગામી 15 મી ઓક્ટોબરથી દેશભરમાં થિયેટર તેમજ મલ્ટિપ્લેક્સ ખોલવાની છૂટ કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. જોકે હજુ પણ કેટલાક રાજ્યોમાં મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ જે તે રાજ્યની સરકાર દ્વારા આપવામાં નથી આવી. ત્યારે આ વિશે ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિયેશન દ્વારા કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે.

... તો જૂની ફિલ્મો બતાવવી પડશે

ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના ઉપપ્રમુખ અજય બગડાઇએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં 15મી ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ તે અંગે અસમંજસ છે. કારણકે 50 ટકા મલ્ટિપ્લેક્સ અને થિયેટરના સંચાલકો મલ્ટીપ્લેક્સ, થિયેટર ખોલવાના સમર્થનમાં છે. જ્યારે કે 50 ટકા બંધ રાખવાના સમર્થનમાં છે. તો બીજી તરફ હાલમાં આગામી એક મહિનામાં કોઈપણ નવી ફિલ્મ રિલીઝ થવા નથી આવી રહી. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે 10 થી 15 કરોડ રૂપિયાનું ટર્નઓવર મલ્ટિપ્લેક્સની ખોરવાયું છે. આ સાથે દેશના અનેક રાજ્યોમાં જ્યારે મલ્ટિપ્લેક્સ ખોલવાની છૂટ નથી મળી ત્યારે તમામ રાજ્યોમાં મલ્ટિપ્લેક્સ ખોલવાની છૂટ મળ્યા બાદ જ કોઈ પિક્ચર દેશભરમાં રિલીઝ થઈ શકે છે તો હાલમાં જો મલ્ટિપ્લેક્સ ખોલવામાં આવે તો જુના મુવી બતાવવા પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે.

સરકાર પાસે સહાયની માંગ

તેઓએ વધુમાં કહ્યું કે, આવામાં પ્રેક્ષકો જૂની ફિલ્મો જોવા આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન સામે છે. કોરોના મહામારીને કારણે મલ્ટીપ્લેક્સ ઈન્ડસ્ટ્રીને જે નુકસાન થયું છે, તે નુકસાનના વળતર માટે એસોસિએશન સરકાર પાસે કેટલીક માંગણી મૂકી છે, જે આજે પણ પેન્ડિંગ પડી છે. દિવાળીના તહેવારના એક અઠવાડિયા પહેલા મલ્ટિપ્લેક્સ ખોલવાની હાલ વિચારણા ચાલી રહી છે, જેથી કરીને દિવાળીના તહેવારમાં પ્રેક્ષકો પણ મળી રહે અને કોરોના સંક્રમણ પણ ઘટી ગયું હોય. કારણ કે, સરકારની ગાઈડલાઈન મુજબ મલ્ટિપ્લેક્સ ચોક્કસ શરૂ કરી શકાશે. પરંતુ 50 ટકાની કેપેસિટીની મર્યાદા ધ્યાનમાં રાખવી પડશે. આમ હાલના સમયમાં મલ્ટિપ્લેક્સ શરૂ કરવામાં આવે તો નફા કરતાં નુકસાની વધુ થવાની ભીતિ સેવાઇ રહી છે.

(5:17 pm IST)