Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોનાએ ફેરવ્યો રેલવેનો વધુ એક નિયમ

આજથી ટ્રેન રવાના થવાના સમયની ૩૦ મિનિટ પહેલા બીજો એક રિઝર્વેશન ચાર્ટ થશે તૈયાર

નવી દિલ્હી, તા.૧૦: રેલવે દ્વારા આજથી ટ્રેન રવાના થવાના સમયના અડધા કલાક પહેલા બીજો એક રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે. કોરોના શરુ થયો ત્યારથી રેલવેએ આ નિયમમાં ફેરફાર કરીને ટ્રેન ઉપડવાના બે કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવાનું શરુ કર્યું હતું. આ ફેરફારને કારણે પહેલો ચાર્ટ બન્યા બાદ જે બર્થ ખાલી રહી જતી હતી તેના પર હવે પ્રવાસ કરવો શકય બનશે.

આ નિયમની જાહેરાત કરતા એક નિવેદનમાં રેલવેએ જણાવ્યું છે કે કોરોના શરુ થયો તે અગાઉ રિઝર્વેશનનો પહેલો ચાર્ટ ડિપાર્ચરના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ ટિકિટ ઉપલબ્ધ હોય તો કાઉન્ટર કે પછી ઓનલાઈન બુકિંગ કરી શકાતું હતું. ત્યારબાદ બીજો ચાર્ટ તૈયાર કરવામાં આવતો હતો. બીજો ચાર્ટ ટ્રેન ઉપડવાની ૩૦ મિનિટથી લઈ પાંચ મિનિટ પહેલા તૈયાર થતો હતો.

જોકે, આ નિયમોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે અનુસાર, છેલ્લો ચાર્ટ ટ્રેન ઉપડવાના બે કલાક પહેલા બનાવી દેવાતો હતો. જોકે, હવે જૂની સિસ્ટમને આજથી ફરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં પહેલો ચાર્ટ બન્યા બાદ ખાલી પડેલી સીટો માટે પીઆરએસ ટિકિટ કાઉન્ટર પરથી અને ઓનલાઈન બુકિંગ થઈ શકશે.

રેલવે બોર્ડે તમામ ઝોનમાં વધુ ૩૯ અલગ-અલગ ટ્રેનો દોડાવવાને પણ મંજૂરી આપી દીધી છે. આ ટ્રેનોને પણ સ્પેશિયલ સર્વિસ તરીકે જ ચલાવવામાં આવશે, અને તેમના શિડ્યૂલ અગાઉ જે પ્રમાણે હતા તેમ જ રહેશે. આ ટ્રેનોમાં એસી ઉપરાંત સ્લીપર અને સિટિંગ કોચ પણ હશે. મોટાભાગની ટ્રેનો એસી એકસપ્રેસ, દુરન્તો, રાજધાની અને શતાબ્દી છે. પશ્ચિમ રેલવે દ્વારા ૧૫ ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરાઈ છે. જેમાં અમદાવાદ-મુંબઈ તેજસ એકસપ્રેસનો પણ સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોમાં માત્ર રિઝર્વ્ડ ટિકિટ પર જ પ્રવાસ કરી શકાશે. જે ટ્રેનો ગુજરાત સાથે કનેકિટવિટી ધરાવે છે તેમાં મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપર ફાસ્ટ સૌરાષ્ટ્ર મેલ, બાંદ્રા-ભાવનગર, બાંદ્રા-ભૂજ એસી સ્પેશિયલ, બાંદ્રા-હઝરત નિઝામુદ્દીન, વલસાડ-પુરી સુપરફાસ્ટ, સુરત-ભાગલપુર, વડોદરા-વારાણસી સુપરફાસ્ટ, ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટનો સમાવેશ થાય છે.

(2:41 pm IST)