Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

બિહાર ચુંટણી૨૦૨૦

એનડીએના પ્રચાર માટે મોદી, અમિત શાહ અને રાજનાથસિંહ ટુંક સમયમાં બિહારનો પ્રવાસ કરશે

પટણા તા. ૧૦ : ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એક દિવસના બિહાર પ્રવાસે આવશે. પક્ષના નેતાઓ અનુસાર, પહેલા તે ત્રણ દિવસનો બિહાર પ્રવાસ કરવાના હતા પણ હવે તેમના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. મળતી માહિતી અનુસાર, તેઓ રવિવારે પટણા આવ્યા પછી સીધા ગયા જશે.

પક્ષના નેતાઓ અનુસાર, આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના પક્ષના અન્ય સીનીયર નેતાઓના બિહાર પ્રવાસના પણ અણસાર છે. તેમાંથી કેટલાક નેતાઓની વર્ચ્યુઅલ જનસભા થશે તો કેટલાક બિહાર આવીને મતદારોને એનડીએના પક્ષમાં મનાવશે.

બિહારના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. લોજપાએ એનડીએમાંથી તો છેડો ફાડયો છે પણ તે વડાપ્રધાન પ્રત્યે પોતાની આસ્થા સતત દર્શાવી રહી છે. ચિરાગ પાસવાન અવાર-નવાર એવું કહેતા રહે છે કે ચુંટણી પછી બિહારમાં લોજપા અને ભાજપા સાથે મળીને સરકાર બનાવશે. શું ચિરાગ વિચારે છે તેવું જ વડાપ્રધાન પણ વિચારી રહ્યા છે ? આવા સવાલો હાલમાં બિહારના વાતાવરણમાં ગુંજી રહ્યા છે. એટલે જ દરેકની નજર વડાપ્રધાન મોદી અને અમિત શાહના બયાનો પર રહેશે.

લોજપાના કાર્યકરો ભલે 'મોદી સે વાર નહી, નીતિશ સે ખૈર નહી'ના નારાઓ પોકારી રહ્યા હોય પણ બિહાર ભાજપાએ સ્પષ્ટ કહ્યું છે કે બિહારમાં એનડીએના નેતા મુખ્યપ્રધાન નીતિશકુમાર જ છે.

(2:43 pm IST)