Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

આનંદો : ટુરિઝમને વેગ આપવા કેન્દ્ર સરકારે LTC લેવાની મુદતમાં બે વર્ષનો વધારો કર્યો

ક્લાસ થ્રીના કર્મચારીઓને નજીકના ડેસ્ટિનેશનથી વિમાનમાં પ્રવાસ કરવાની પણ છૂટ

નવી દિલ્હી : ટુરિઝમને વેગ આપવા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને આપવામાં આવતા લીવ ટ્રાવેલ કન્સેશન્સના નિયમો હળવા કરવાની જાહેરાત કરાઈ છે,લીવ ટ્રાવેલ કન્સેશનનો લાભ લેવાની મુદત બે વર્ષ લંબાવી આપી છે. જેમની એલટીસી લેવાની મુદત 26મી સપ્ટેમ્બર 2020ના પૂરી થતી હતી તેમને 25મી સપ્ટેમ્બર 2022 સુધી તેનો લાભ લેવાની છૂટ આપી છે તેમ જ ક્લાસ થ્રીના કર્મચારીઓને નજીકના ડેસ્ટિનેશનથી વિમાનમાં પ્રવાસ કરવાની પણ છૂટ આપી છે. પહેલા તેમને વિમાન માર્ગે પ્રવાસ કરવાની છૂટ નહોતી.

 કર્મચારીઓને તેમના માદરેવતન જવા માટે એલટીએસ આપવામાં આવતુ  હતું.તેને બદલે હવે નોર્થ ઇસ્ટર્ન રિજ્યન, જમ્મુ અને કાશ્મીર, લડાખ, અને આંદામાન નિકોબાર સુધી એલટીસી હેઠળ જવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી એર ટ્રાવેલ માટે એન્ટાઈટલ ન ગણાતા કર્મચારીઓને એર ટ્રાવેલ કરીને એલટીસીનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.

તેમને ખાનગી વિમાન સેવાઓનો ઉપયોગ કરીને નોર્થ ઇસ્ટ રિજ્યન, જમ્મુ-કાશ્મીર તથા આંદામાન અને નિકોબાર જવાની છૂટ આપવામાં આવી છે. જૂની વ્યવસ્થા હેઠળ ક્લાસ-1 અને ક્લાસ-2ના અધિકારીઓને વિમાનમાં પ્રવાસ કરીને એલટીસીનો લાભ લેવાની છૂટ આપવામાં આવેલી હતી. પરંતુ ક્લાસ 3ના કર્મચારીઓને વિમાનમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવેલી નહોતી.

બીજા શબ્દોમાં કહીએ તો તેમનો વિમાન પ્રવાસનો ખર્ચ મંજૂર કરવામાં આવતો નહોતો. હવે તેમને તેમના જવાના મૂળ ડેસ્ટિનેશનની નજીક આવેલા ડેસ્ટિનેશનથી વિમાનમાં જવાની છૂટ આપવામાં આવી છે.

ઉદાહરણ આપીને વાત કરીએ તો અમદાવાદથી આંદામાન નિકોબાર જવા માગતા કર્મચારીઓને ચેન્નઈ સુધી ટ્રેનમાં ગયા બાદ આંદામાન નિકોબાર સુધી પ્લેનમાં જવાની છૂટ આપવામાં આવી છે.

ખાસ કરીને ક્લાસ-3 અન તેનાથી નીચેના કર્મચારીઓ માટે આ સુવિધા કરવામાં આવી છે. લેહ, લડાખ, જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઇસ્ટ રિજ્યનના વિસ્તારો અને આંદામાન-નિકોબાર જવા માગનારાઓને વિમાનમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ચાર વર્ષના સમયગાળામાં સરકારી કર્મચારીઓને તેમના એલટીસીનો ઉપયોગ કરવાની છૂટ આપવાાં આવી છે.

હોમ ટાઉનને બદલે નોર્થ ઇસ્ટ રિજ્યન, આંદામાન-નિકોબાર, લડાખ જવા માગનારાઓને તે માટેની છૂટ આપવામાં આવી છે. સરકારમં નવી નિમણૂક પામેલા કર્મચારીઓને ચાર વર્ષના ગાળામાં એકવાર તેમની હોમટાઉનની ત્રણમાંથી એક વિઝીટને લડાખ, એનઈઆર, જમ્મુ-કાશ્મીર તથા આંદામાન-નિકોબાર જવા માટે ઉપયોગ કરી શકે તેવી ગોઠવણ પણ કરી આપી છે.

(6:25 pm IST)