Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

દશેરા - દિવાળી પૂર્વે મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ

કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી રોકડમાં મળશે : ૧૦ હજાર રૂપિયા સુધીનું ફેસ્ટીવલ એડવાન્સ પણ મળશે : નાણામંત્રી નિર્મલા સિતારામને કરી જાહેરાત : એલટીસી કેશ વાઉચર સ્કીમ અને સ્પેશ્યલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમ જાહેર કરી : અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા અને ડીમાન્ડ વધારવા સરકારનું પગલુ : રાજ્ય સરકારોને ૫૦ વર્ષ માટે વગર વ્યાજે લોન આપવા પણ એલાન

નવી દિલ્હી તા. ૧૨ : દિવાળી અને દશેરા પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સિતારામને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ વધારવા માટે બે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ એલટીસી કેસ વાઉચર્સ સ્કીમ અને બીજુ છે સ્પેશ્યલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમ. સ્પેશ્યલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયાનું ફેસ્ટીવલ એડવાન્સ આપવામાં આવશે. સાથોસાથ કર્મચારીઓને એલટીસીમાં ટીકીટ ભાડાનું ચૂકવણુ રોકડમાં કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, એલટીસી રોકડ વાઉચર યોજના અને વિશેષ તહેવાર અગ્રીમ યોજના શરૂ કરવામાં આવશે. ડીમાન્ડને પ્રોત્સાહન આપવા માટે એલટીએ ખર્ચ માટે એડવાન્સમાં રકમ આપવામાં આવશે. એલટીસી માટે રોકડ પર સરકારને ખર્ચ રૂ. ૫૬૭૫ કરોડ થશે. જાહેર એકમો અને બેંકોને ૧૯૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.

સાથોસાથ સરકારી કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટીવલ એડવાન્સ તરીકે આપવામાં આવશે. કે જેથી તહેવારના સમયમાં સરકારી કર્મચારીઓ પાસે ખરીદીના પૈસા રહે. તેમણે કહ્યું હતું કે, રકમને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ખર્ચ કરવી પડશે. જે પ્રીપેડ કાર્ડ સ્વરૂપમાં આપવામાં આવશે અને કર્મચારી ૧૦ હપ્તામાં ભરપાઇ કરી શકશે. જો રાજ્ય સરકારો આવું કરે તો ૨૮ હજાર કરોડ રૂપિયાની ડિમાન્ડ ઉભી થશે.

તેમણે કહ્યું હતું કે, એલટીસીના કેશ વાઉચર સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓને રોકડ વાઉચર આપવામાં આવશે. જેનાથી તેઓ ખર્ચ કરી શકશે. આનાથી અર્થવ્યવસ્થા જીવંત બનશે. આ યોજનાનો લાભ પીએસયુ તથા જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ મળશે. એલટીસીના બદલે રોકડનું ચુકવણુ ડિજીટલ થશે. જે હેઠળ ટ્રેન કે પ્લેન માટે ભાડુ ચુકવાશે અને તે ટેકસ ફ્રી રહેશે.

તેમણે કહ્યું હતું કે, એલટીસીમાં કર્મચારીઓને રજા માટે પૂરૃં ચુકવણુ રોકડમાં કરવામાં આવશે. આ સિવાય ભાડા માટે ત્રણ સ્લેબ હશે જે કર્મચારીઓના ગ્રેડ પર નિર્ભર રહેશે. યાત્રા ભાડાથી મળેલા પૈસાથી કર્મચારીઓએ ત્રણ સામાન ખરીદવા પડશે. આ સિવાય એક વખત રજાના બદલામાં રોકડ મળે તો તેનો પણ સામાન લેવો પડશે. જે સામાન પર ૧૨ ટકા કે તેથી વધુ જીએસટી હોય તેને કર્મચારીઓ દ્વારા રજીસ્ટર્ડ વેન્ડર પાસેથી લેવાની રહેશે અને પેમેન્ટ ડીજીટલ કરવું પડશે. જીએસટી બીલને પણ કર્મચારીઓએ રજૂ કરવું પડશે.

દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ૫૦ વર્ષ માટેની વ્યાજ વગરની લોન રાજ્યોને ૧૨ હજાર કરોડ રૂપિયાના પૂંજીગત ખર્ચ માટે આપવામાં આવશે.

(2:59 pm IST)