Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજમાતાની જન્મ શતાબ્દી પર PM મોદીએ બહાર પાડયો ૧૦૦ રૂપિયાનો સિક્કો

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા સિંધિયા અને મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી યશોધરા રાજે સિંધિયા વિજયા રાજે સિંધિયાના પુત્રી છે તથા રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયા પૌત્ર છે

નવી દિલ્હી, તા.૧૨: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ૧૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિજયરાજે સિંધિયાના સન્માનમાં ૧૦૦ રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. વિજયરાજે સિંધિયા ગ્વાલિયરના રાજમાતા તરીકે ઓળખાય છે. આ સિક્કો તેમની જન્મ શતાબ્દીના અવસરે બહાર પાડવામાં આવ્યો છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે વિજયારાજે સિંધિયા દેશની આઝાદી પહેલા અને ત્યારબાદ પણ ભારતીય રાજકારણનો મહત્વનો ભાગ રહ્યા. તેમના અનુભવો અંગે આજની પેઢીએ પણ ચર્ચા કરવી જોઈએ.

જન્મ શતાબ્દી સમારોહના ક્રમમાં આ ૧૦૦ રૂપિયાનો સ્મૃતિ સિક્કો નાણા મંત્રાલયે તૈયાર કરાવ્યો છે. પ્રધાનમંત્રી તરફથી આ સિક્કાને બહાર પાડવાના અવસરે વિજયારાજે સિંધિયાના પરિવારના સભ્યો તથા દેશના અન્ય ભાગમાંથી પણ લોકોએ ભાગ લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું હતું કે '૧૨ ઓકટોબરના રોજ રાજમાતા વિજયારાજે સિંધિયાની જયંતી છે. આ અવસરે ૧૦૦ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે. આ તેમની જન્મશતાબ્દી ઉત્સવનો ભાગ છે અને તેમના મહાન વ્યકિતત્વને શ્રદ્ઘાંજલિ આપવાની એક તક.'

૧૦૦ રૂપિયાના વિશેષ સિક્કા પર એકબાજુ રાજમાતા વિજયારાજે સિંધિયાનો ફોટો છે, જયારે સિક્કાના ઉપરના ભાગમાં હિન્દીમાં શ્રીમતી વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી લખેલુ છે. નીચેના ભાગમાં અંગ્રેજીમાં લખ્યું છે. આ સાથે જ તેમના જન્મનું વર્ષ ૧૯૧૯ અને જન્મ શતાબ્દી વર્ષ ૨૦૧૯ લખ્યું છે. સિક્કાની બીજી બાજુ હિન્દી અને ગુજરાતીમાં ભારત  લખેલુ છે તથા અશોક સ્તંભ બનેલો છે. આ ઉપરાંત નીચે ૧૦૦ રૂપિયા લખ્યું છે.

રાજમાતા વિજયારાજે સિંધિયા જનસંઘના નેતા હતા અને ભાજપના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા વિજયારાજે સિંધિયા ભાજપના મોટા ચહેરામાંથી એક હતાં અને હિન્દુત્વના મુદ્દાઓ પર પ્રખર હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા સિંધિયા અને મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી યશોધરા રાજે સિંધિયા વિજયા રાજે સિંધિયાના પુત્રી છે તથા રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયા પૌત્ર છે.

(3:32 pm IST)