Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જીએસટીમાં ધરપકડની જોગવાઈને હાઇકોર્ટમાં પડકારાશે

આ જોગવાઈની બંધારણીય માન્યતાને પડકારવામાં આવશે.

નવી દિલ્હી :કંપનીઓ જીએસટી હેઠળ જેલની જોગવાઈઓની બંધારણીય માન્યતાને આગામી અઠવાડિયે ઓરિસ્સા હાઇકોર્ટમાં પડકારી શકે છે. સરકારનો દાવો છે કે જીએસટી કાયદા હેઠળ એવી કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે જેણે છેતરપિંડી કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો છે. બીજી તરફ નિષ્ણાંતોએ આ જોગવાઈમાં ઘણી ખામીઓ શોધી છે. ખાસ કરીને ધરપકડ સંબંધિત જોગવાઈઓમાં ત્રુટિઓ જોવા મળી છે.

એક કારોબારીને જેલની સજા આપવા સાથે જોડાયેલા મામલાની સુનાવણી કરતા ઓરિસ્સા હાઇકોર્ટે કહ્યું હતું કે 2018-19માં રૂ.11,251.3 કરોડના બોગસ દાવાઓના 1620 કેસ દાખલ થયા છે. બીજી તરફ 2019-20માં 25 જૂન સુધી 535 કેસોમાં 2565.40 કરોડ રૂપિયાના દાવા કરવામાં આવ્યા છે.

કારોબારીઓની ધરપકડને લઈને અલગ અલગ ન્યાયાલયોમાં કેસ અંગે દલીલો કરી રહેલ વકીલ અભિષેક રસ્તોગીએ જણાવ્યું છે કે સેન્ટ્રલ જીએસટી એક્ટની કલમ 69 સ્વૈચ્છીક છે કેમ કે આ જીએસટી કમિશ્નરોને તે મામલે ધરપકડના અધિકાર આપે છે જેમાં તેમને લાગે છે કે વ્યક્તિએ છેતરપિંડીથી આઈટીસીનો દાવો કર્યો છે. જો કમિશ્નરને લાગશે કે છેતરપિંડીથી દાવો કરવામાં આવ્યો છે તો તેઓ 5 વર્ષની સજાનો આદેશ આપી શકે છે.

રસ્તોગીએ કહ્યું હતું કે એવું માનવાનું કારણ એક કારોબારી મામલો છે અને તેના દુરુપયોગની સંભાવના છે. રસ્તોગીએ કહ્યું હતું કે આગામી અઠવાડિયે ઓરિસ્સા હાઇકોર્ટમાં આ જોગવાઈની બંધારણીય માન્યતાને પડકારવામાં આવશે. તેઓએ તે વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે એક વ્યક્તિની ધરપકડથી અધિકારીઓ કઈ રીતે છેતરપિંડીવાળા દાવાઓ રોકી શકે છે.

(5:18 pm IST)