Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

' બોલીવુડ ડ્રગ માફિયા ' : રિપબ્લિક ટી.વી.તથા ટાઈમ્સ નાઉ માં પ્રસારિત થતી શ્રેણી વિરુદ્ધ 38 પ્રોડ્યુસરોએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : બોલીવુડમાં ડ્રગનું સામ્રાજ્ય છે તથા તેમાં રહેલી ગંદકી દૂર કરવાની જરૂર છે તેવા રીપોર્ટરોના બેજવાબદાર વિધાનો સામે વિરોધ નોંધાવ્યો : સમગ્ર બોલીવુડ તથા તેની સાથે સંકળાયેલ હસ્તીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર તથા પ્રાઇવસીના ભંગ સમાન હોવાનો આરોપ

ન્યુદિલ્હી : રિપબ્લિક ટી.વી.અને ટાઈમ્સ નાઉ માં પ્રસારીત થતી  ' બૉલીવુડ ડ્રગ માફિયા ' શ્રેણીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિરુદ્ધ દર્શાવાઈ રહેલા અપમાન જનક અને બદનામી પ્રેરક ડાયલોક અટકાવી દેવા 38 પ્રોડ્યુસરે દિલ્હી હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો છે.આ દાવામાં બૉલીવુડ સાથે સંકળાયેલ  હસ્તીઓ સાથેની મીડિયા  ટ્રાયલ્સ દ્વારા તેમના  પ્રાઇવસી અધિકારોનો ભંગ કરવાનો રિપબ્લિકના અર્નબ ગોસ્વામી તથા પ્રદીપ ભંડારી ,અને ટાઈમ્સ નાઉનાં રાહુલ શિવશંકર તથા નાવિકા કુમાર ઉપર આરોપ લગાવાયો છે.

         જેમાં દર્શાવાયા મુજબ સુશાંત રાજપૂતના અવસાન મામલે બોલીવુડમાં ડ્રગનું  સામ્રાજ્ય હોવાથી  ગંદકી સાફ કરવાની જરૂર છે તથા માદક દ્રવ્યો કોકેન ,એલએસડી એ બોલીવુડની ઇમેજને નુકશાન પહોચાડ્યું છે તેવી રીપોર્ટરોની અભિવ્યક્તિ સામે આ પ્રોડ્યુસરોએ વાંધો ઉઠાવ્યો છે.આનાથી બૉલીવુડ હસ્તીઓની પ્રાઈવસીનો ભંગ થયો છે.તથા સમગ્ર બોલીવુડને તેમજ તેની સાથે સંકળાયેલ હસ્તીઓની પ્રતિષ્ઠાને ભરપાઈ ન થઇ શકે તેવું  નુકશાન થયું હોવાનું જણાવ્યું છે.આરોપમાં વિશેષમાં જણાવાયા મુજબ આ અગાઉ  પણ આ રિપોર્ટરોને ખોટા તથા બેજવાબદાર આક્ષેપો કરવા બદલ જવાબદાર ગણાવાયા છે.આ રિપોર્ટરો જાણે કે સમાંતર કોર્ટ ચલાવી તપાસ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસે છે.પ્રોડ્યુસરોએ ચોખવટ કર્યા મુજબ સુશાંત રાજપૂતના મૃત્યુ મામલે તપાસ થાય તેમાં તેઓ ઢાંકપિછોડો કરવા માંગતા નથી.પરંતુ આ ચેનલ્સના રીપોર્ટરોના બેજવાબદાર વિધાનો  સામે તેમને વાંધો છે.જે સમગ્ર બૉલીવુડ જાણે કે ડ્રગનો અડ્ડો હોવાની છાપ ઉપસાવે છે.તેથી તેમના ઉપર કાયમી પ્રતિબંધ મૂકી દેવો જોઈએ તેવી માંગણી કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)