Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

૧૭ વર્ષીય યુવતી પર પિતા, પ્રેમી દ્વારા દુષ્કર્મ આચરાયું

ભ્રૂણને રસ્તામાં ફેંકવાની ઘટનાની તપાસમાં ખુલાસો : મુંબઈના થાણેની ઘટના, પિતા-પ્રેમીની ધરપકડ કરાઈ

થાણે, તા. ૧૨ : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. થાણે જિલ્લામાં ૧૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારા તેના પિતા અને બોયફ્રેન્ડની સોમવારે પોલીસે ધરપકડ કરી હતી. પીડિતાનો આરોપ છે કે તેના પિતા અને પ્રેમીએ તેની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તેનાથી તે ગર્ભવતી થઈ ગઈ. ત્યારબાદ તેણે ગર્ભને રસ્તાની બાજુમાં ફેંકી દીધો, જેની તપાસ દરમિયાન પોલીસને સનસનાટીભર્યા બનાવની જાણ થઈ હતી.

મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ ગૌરવે કહ્યું કે ત્રણ દિવસ પહેલા પોલીસને થાણેના વાશિંદ શહેરમાં રસ્તાની બાજુમાં એક મૃત ગર્ભ મળ્યું હતું. કેસની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ગર્ભ પીડિતાનું હતું. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા અને બોયફ્રેન્ડ દ્વારા તેની પર અનેક વખત દુષ્કર્મ આચરાયું હતું, ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી. પોલીસને એવી પણ જાણકારી મળી હતી કે પીડિતા અને તેનો પરિવાર અગાઉ નવી મુંબઈના પનવેલમાં રહેતો હતો. અધિકારીએ જણાવ્યું કે પીડિતા ૨૧ વર્ષીય આરોપી સાથે પરિચિત હતી જે પનવેલમાં તેનો પડોશી હતો અને બંને સંબંધમાં હતા. પીડિતાના નિવેદનના આધારે તેના પિતા અને પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ  ૩૭૬ (દુષ્કર્મ) અને બાળ યૌન અપરાધ સંરક્ષણ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ કેસમાં વધુ તપાસ માટે આરોપીના ડીએનએની તપાસ કરવામાં આવશે.

(9:12 pm IST)