Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભારતીય સીમાની નજીક નેપાળે બનાવ્યા ત્રણ હેલીપેડ : સુરક્ષા એજન્સીઓ સતર્ક

સરહદથી માત્ર 12 કિલોમીટરના અંતરે ત્રણ હેલિપેડ : અસ્થાયી કેમ્પો માટે ચીનના ટેન્ટ પણ લગાવ્યા

 નવી દિલ્હી :ચીન સાથે ભારતના સંઘર્ષ વચ્ચે નેપાળ પણ ચીનના દબાણ હેઠળ ભારત સાથે વિવાદો વધારી રહ્યું છે. નેપાળ હવે ભારતની સરહદે સતત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. નેપાળે ભારતીય સરહદથી માત્ર 12 કિલોમીટરના અંતરે ત્રણ હેલિપેડ બનાવ્યા છે. નેપાળના આ પગલાંથી ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે. બીજીબાજુ ચીન સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાને રાખીને એરફોર્સે ઉત્તરાખંડમાં સંરક્ષણ રડાર્સ ઈન્સ્ટોલ કરવા માટે જમીનની માગણી કરી છે.

   નેપાળના નવલપરાસી જિલ્લાના નરસહીના વોર્ડ નંબર ચાર, ત્રિવેણીના આર્મી કેમ્પ અને ઉજ્જૈની નજીક હેલિપેડ બનાવવાનું કામ પૂરૂં થઈ ગયું છે. નેપાળમાં હેલિપેડ બન્યા પછી ભારતીય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સશસ્ત્ર સીમા દળએ આ અંગે ગૃહમંત્રાલયને રિપોર્ટ મોકલ્યો છે. સલામતીની દૃષ્ટિએ નેપાળ સરકારનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. અહીં નેપાળના જવાનો માટે સ્થાયી બેરેક અને હથિયારો રાખવા માટે બંકર બનાવવાની પણ સરકારની યોજના છે.

ભારતના ઝુલનીપુર સરહદથી નરસહી હેલિપેડનું અંતર માત્ર સાત અને ત્રિવેણીથી 12 કિલોમીટરનું અંતર છે. નેપાળે ભારતની સરહદ નજીક નિરિક્ષણ માટે અસ્થાયી કેમ્પ બનાવ્યા છે. એટલું જ નહીં નેપાળ સૈન્ય કેમ્પોની સંખ્યા પણ વધારી રહ્યું છે. આ અસ્થાયી કેમ્પો બનાવવા માટે નેપાળ ચીનના ટેન્ટ લગાવીને ભારત પર દબાણ વધારી રહ્યું છે

(12:00 am IST)