Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નોકરી ગુમાવનારા લોકોને હવે રોજગારી ભથ્થું અપાશે

૨૪મી માર્ચ બાદ નોકરી ગુમાવનારાને લાભ : રાજ્ય વીમા નિગમની શાખામાં અરજી કરવાની રહેશે

નવી દિલ્હી, તા. ૧૩ : કોરોના લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા માંદી પડી છે અને એક રિપોર્ટ પ્રમાણે ૧.૯ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.  અર્થતંત્રમાં પડેલા ગાબડા બદલ સરકારની ટીકાઓ પણ થઈ રહી છે. હવે મોદી સરકારે નોકરી ગુમાવનારીઓની મદદ કરવાની જાહેરાત કરી છે.જે પ્રમાણે કર્મચારી રાજ્ય વીમા નિગમમાં જે કામદારો નોંધાયેલા છે અને આમાંથી જેમણે ૨૪ માર્ચ બાદ નોકરી ગુમાવી છે તેમને મોદી સરકાર અડધો પગાર અનએમ્પોલમેન્ટ બેનિફિટ તરીકે આપશે. જેનો અર્થ એ થાય છે કે, કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા ઔદ્યોગિક કામદારોને ત્રણ મહિના સુધી અડધો પગાર બેકારી ભથ્થા તરીકે મળશે.

                આ ફાયદો એ કામદારોને મળશે જેમની નોકરી આ વર્ષે ૨૪ માર્ચથી ૩૧ ડિસેમ્બર વચ્ચે ગઈ છે. આ પહેલા બેકારી ભથ્થા તરીકે ૨૫ ટકા સેલેરી આપવાની જોગવાઈ હતી. જે હવે વધારીને ૫૦ ટકા કરાઈ છે. નવી જોગવાઈ એક વર્ષ સુધી લાગુ રહેશે. આ સુવિધા મેળવવા માટે કામદારે કર્મચારી રાજ્ય વીમા નિગમની કોઈ પણ શાખામાં અરજી કરવાની રહેશે.ચકાસણી બાદ તેમને અડધો પગાર બેક્ન ખાતામાં આપવામાં આવશે.આ માટે આધાર નંબરની મદદ લેવાશે.આ યોજનાથી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ૬૭૧૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવશે.

(12:00 am IST)