Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વાયરસના નવા હુમલાએ વધારી ચિંતા

કોવિડ-૧૯ : 'બહુરૂપિયા' કોરોનાનું નવુ ખતરનાક સ્વરૂપ : ડેંન્ગ્યુની જેમ ઓચિંતા ઘટે છે પ્લેટલેટ્સ

નવી દિલ્હી તા. ૧૪ : સામાન્ય રીતે ડેન્ગયુ તાવમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થતા હતા પરંતુ હવે કોરોના પણ ડેન્ગયુના વેશમાં દર્દી પર પ્રહારો કરી રહ્યું છે. તેમાં અચાનક જ દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને ૨૦ હજારથી પણ નીચે આવી જાય છે. જયારે તપાસમાં ડેન્ગયુ નીકળતો નથી. આવા દર્દી મોટાભાગે કોરોનાની ગંભીર અવસ્થામાં પહોંચ્યા બાદ મળી રહ્યા છે. પીજીઆઈમાં ડોકટરે તેના પર રિસર્ચ પણ શરૂ કરી દીધું છે.

પીજીઆઈના પ્રોફેસર અનુપમ વર્માએ કહ્યું કે અચાનક દર્દીઓમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાથી મેનેજ કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. પીજીઆઈમાં એડમિટ લોકબંધુ હોસ્પિટલના ડોકટરના પ્લેટલેટ્સ દાખલ થયાના બીજા દિવસે જ દસ હજાર પર પહોંચી ગયા. પ્રાથમિક રીતે એ સામે આવી રહ્યું છે કે કોરોના દર્દીના ઇમ્યુન કોમ્પલેકસને પ્રભાવિત કરે છે, જેમાં મોનોસાઇડ અને મેકરોફેઝ સેલ પર એટેક કરે છે. તેનાથી બોડીમાં પ્લેટલેટ્સની ખપત વધી જાય છે. જયારે તેનું ઉત્પાદન પહેલાંની સરખામણીમાં ઓછું રહે છે. આ જ કારણ છે કે પ્લેટલેટ્સ કાઉન્ટ અચાનકથી ઘટી જાય છે. આવા દર્દી મોટાભાગે ગંભીર અવસ્થાના હોય છે. તેમને પ્લેટલેટ્સ ચઢવામાં આવી રહ્યા છે અને જરૂર પડવા પર પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી રહી છે.

ડો.અનુપમે કહ્યું કે એક બદલાવ હાલમાં જોવા મળી રહ્યો છે કે કોરોના દર્દીઓને થોમ્બોસિસ થઇ રહ્યો હતો, જેમાં લોહીના ગઠ્ઠા જામી જતા હતા. તેમાં ટીપીએ ઇન્જેકશન આપવામાં આવે છે, તેનાથી કલોટ ગંઠાઇ જાય છે. પરંતુ કેટલાંક દર્દીઓને ટીપીએ આપવા પર તેની નસો ફાટી જાય છે. તેથી અંદર જ લોહી લિકેજ થઇ જાય છે. તેને સીવિયર થોંબોસાઇટોપીનિયા કહેવાય છે. તેમાં જોવા મળ્યું છે કે કોરોના વાયરસ દર્દીના બોન મૈરોને ઇંફેકટ કરી રહ્યું છે તેના લીધે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડોકટર અનુપમે કહ્યું કે આજની સ્થિતિમાં કોરોના દર્દીઓની ડેન્ગ્યુની તપાસ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને એવા દર્દી જેમને પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા હોય. તેના પરથી ખબર પડી શકશે કે તેનું કારણ કોરોના છે કે ડેન્ગ્યુ. તેના પર રિસર્ચ પણ કરી રહ્યા છીએ.

(9:57 am IST)