Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગુગલે તેના કર્મચારીઓને આપી ભેટ : ૪ દિવસ કામ અને ૩ દિવસ રજા

ગૂગલમાં કામ કરતા દરેક કર્મચારીઓને શુક્રવારથી લઇ રવિવાર સુધી રજા મળશે

ન્યૂયોર્ક તા. ૧૪ : કોરોના વાયરસના કારણે વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધ્યું છે. ખાસ કરીને આઈટી કંપનીઓ તેમના કર્મચારીઓની સેવા ઘરેથી લઇ રહી છે. ઘરેથી કામ કરતા સમયે કર્મચારીઓ પર ઓફિસની સરખામણીએ કામ કરવાનું દબાણ વધ્યું છે. તેને ધ્યાને લેતા દિગ્ગજ ટેક કંપની ગૂગલે મોટો નિર્ણય લીધો છે.

ટેક કંપની ગૂગલે હવે પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ વીકલી ઓફ આપવાનું એલાન કર્યું છે. મતલબ કે હવે કર્મચારીઓએ અઠવાડિયામાં ૪ દિવસ કામ કરવાનું રહેશે જયારે તેમને ત્રણ દિવસની રજા રહેશે.

ગૂગલે દુનિયાભરમાં ફેલાયેલા પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ કરવાનું કહ્યું છે. હવે ગૂગલમાં કામ કરતા દરેક કર્મચારીઓને શુક્રવારથી લઇ રવિવાર સુધી રજા મળશે. જયારે સોમવારથી લઇ ગુરૂવાર સુધી તેમણે કામ કરવાનું રહેશે.

જેના માટે કંપનીએ તેમના કર્મચારીઓને એક નોટ પણ મોકલી છે. જેમાં લખવામાં આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમના કારણે કર્મચારીઓના કામ કરવાના કલાકોમાં વધારો થયો છે. જેને લઇ કર્મચારીઓ દબાણ અનુભવી રહ્યા છે.

કંપની દરેક વિભાગના ટીમ લીડર્સને પોતાની ટીમને સપોર્ટ કરવાનું કહ્યું છે. સાથે એવું પણ કહ્યું છે કે નવી વ્યવસ્થા હેઠળ પ્રત્યેક કર્મચારીના કામ પ્રત્યેની જવાબદારી અને સમય સીમા પણ નક્કી કરવામાં આવે. એટલું જ નહીં કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખતા કંપનીએ કહ્યું છે કે જો કોઈ કર્મચારી તેના વીકલી ઓફના દિવસે કામ કરે છે તેમને બદલામાં સોમવારે વીક ઓફ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગૂગલના કર્મચારી જુલાઇ ૨૦૨૧ સુધી ઘરેથી કામ કરશે. ત્યાર પછી કંપની ફરીથી તેના પર વિચાર કરશે. ગૂગલના ૪ વર્કિંગ ડે પ્લાનની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઇ રહી છે. કંપનીના આ પગલાથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ રહી છે. હવે અન્ય કંપનીઓના કર્મચારી પણ આ રીતના પ્રોટોકોલની માગ કરી રહ્યા છે. લોકો પાછલા ૬ મહિનાથી વધારે સમયથી ઘરેથી કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કારણે પાછલા ઘણાં મહિનાથી લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે. ગૂગલે તેના કર્મચારીઓ માટે આ નિર્ણય વૈશ્વિક મહામારીને જોતા લીધો છે.

(9:58 am IST)