Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ચીનની નાપાક હરકત... રાષ્ટ્રપતિ, પીએમ સહિત ૧૦,૦૦૦ લોકોની જાસૂસી

ચીન સરકાર અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી એક ડેટા કંપની ભારતીયોના રિયલ ટાઇમ ડેટા ઉપર નજર રાખી રહી છે : ચીફ જસ્ટીસ, સોનિયા ગાંધી, મમતા બેનર્જી, ઉધ્ધવ ઠાકરે, નવીન પટનાયક, સચિન તેંડુલકર, શ્યામ બેનેગલ વગેરેનો સમાવેશઃ રાજકીય પક્ષોથી લઇને બિઝનેસમેન, જ્યુડીશ્યરીથી લઇને મિડીયા સાથે સંકળાયેલા લોકો, એટલું જ નહિ અપરાધી અને આરોપીની પણ જાસૂસી કરી રહ્યું છે ચીન

નવી દિલ્હી તા. ૧૪ : ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ટેન્શન પ્રવર્તી રહ્યું છે અને સ્થિતિ યુધ્ધ જેવી જણાય રહી છે. આ દરમિયાન ચીનની નાપાક હરકતોનો વધુ એક ખુલાસો થયો છે. ચીન કેટલીક કંપનીઓ દ્વારા ભારતમાં જાસૂસી કરાવી રહ્યું છે. જે હેઠળ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ચીફ જસ્ટીસથી લઇને કેન્દ્રીય મંત્રીઓ સુધી, મુખ્યમંત્રીથી લઇને સેનાના ઓફિસરો સુધી અને મોટા ઓફિસરોથી લઇને બિઝનેસમેન સુધી દરેક વ્યકિત તેના નિશાના ઉપર છે. ઇન્ડિયન એકસપ્રેસના એક અહેવાલ અનુસાર ચાઇનીઝ કંપની શેનઝેન ભારતમાં લગભગ ૧૦ હજાર લોકોને જાસૂસી કરી રહ્યું છે. આ કંપનીનો ચીનની સરકાર અને ચીનની કોમ્યુનિટીસ્ટ પાર્ટી સાથે સીધો સંબંધ છે. આ ચીની કંપનીની લગભગ ૧૦ હજાર ભારતીયો ઉપર નજર છે. જેમાં વડાપ્રધાનથી લઇને એક મેયર પણ સામેલ છે.

ઝેનઝુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની લિમિટેડ તરફથી જે ભારતીયો ઉપર નજર રાખવામાં આવી રહી છે તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, ગાંધી પરિવાર, મમતા બેનર્જી, ઉધ્ધવ ઠાકરે, નિતીન પટનાયક જેવા દિગ્ગજ નેતાઓ, રાજનાથસિંહ, પિયુષ ગોયેલ જેવા કેન્દ્રીય મંત્ર અને સીડીએસ બિપીન રાવત સહિત આર્મીના ટોચના ઓફિસરો સામેલ છે.

આ અંગ્રેજી અખબારનો દાવો છે કે ચીની કંપનીઓ આ બધા લોકોની ડિઝીટલ જિંદગીને ફોલો કરી રહી છે. સાથોસાથ આ લોકો, તેમના પરિવારજનો અને ટેકેદારો કઇ રીતે કામ કરે છે તેના ઉપર પણ નજર રાખી રહી છે. ચીની કંપની આ બધા લોકોના રિયલ ટાઇમ ડેટા એકઠા કરી રહી છે જે ચીની સરકારને આપવામાં આવે છે. જેમાં મોટા નેતાઓ, ખેલાડીઓ, બિઝનેસ મેન, પત્રકારોના સગા વ્હાલાઓની પણ યાદી કે જેના પર નજર રાખવામાં આવી રહી છે. અખબારનો દાવો છે કે આ સમગ્ર તપાસ માટે શેનઝાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીએ ચીની સરકાર અને કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને ઓવરસીઝનો ઇન્ફોર્મેશન ડેટાબેઝ બનાવ્યો છે. જે હેઠળ આ મિશનને પૂરૂં કરે છે.  કંપની તરફથી એકઠા કરવામાં આવેલા ડેટાને ચીની કંપનીઓ હાઇબ્રીડ વોર નામ આપે છે. નેતાઓ ઉપરાંત સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ, ગૌતમ અદાણી જેવા બિઝનેસમેન, ફિલ્મ ડાયરેકટર શ્યામ બેનેગલ, સોનલ માનસી, રાધે મા જેવી હસ્તીઓ ઉપર પણ ચીનની નજર છે. આ ઉપરાંત નાણાકીય અપરાધ, ભ્રષ્ટાચાર, આંતકવાદ અને સોના, શસ્ત્રોની દાણચોરીમાં સંકળાયેલા લોકોની પણ જાસૂસી થઇ રહી છે. આ ડેટા બેઝમાં ૨૫૦થી વધુ ભારતીય સરકારીબાબુઓ અને રાજનેતાઓ સ્ટ્રેટેજીક કનેકશન છે.

(11:25 am IST)