Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

યુપીમાં પાંચ વર્ષ કરાર આધારિત સરકાર નોકરીનો ડ્રાફટ તૈયાર : મોટા ફેરફારની તૈયારી

૬૦ થી ઓછા આંક મેળવનાર સેવામાંથી બહાર થશે : કર્મચારીઓની કાર્યદક્ષતા, નૈતિકતા અને દેશભકિતના મૂલ્યોના વિકાસની નેમ

લખનૌ,તા.૧૪: ઉત્તરપ્રદેશની યોગી સરકાર સરકારી નોકરીમાં મોટા બદલાય લાવવા જઇ રહી છે. સરકારના કાર્મિક વિભાગ દ્વારા એક પ્રસ્તાવ બનાવાયો છે. જેમાં સરકારી નોકરીના પહેલા પાંચ વર્ષ કરાર આધારિત હશે. જે વર્ગ બે અને ૩ ના કર્મચારીઓને લાગુ થશે.

આ પ્રસ્તાવિત પ્રસ્તાવમાં પાંચ વર્ષ દરમિયાન કોઇપણ વધારાના સરકારી લાભો નહી મળે અને પાંચ વર્ષ દરમિયાન છટણીમાંથી પાર ઉતરનારને કાયમી કરાશે. જેમાં દર વર્ષે ૬૦ થી ઓછા આંક મેળવનાર વ્યકિત સેવાથી બહાર થતા જશે. આ અંગે અલગ-અલગ વિભાગો સાથે ચર્ચા ચાલુ કરાઇ છે.

આ નવા નિયમો સરકારના તમામ બીજા અને ત્રીજા વર્ગના કર્મચારીઓ ઉપર લાગુ થશે. ઉપરાંત ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલાના પરિવારના આક્ષીતોને પણ લાગુ પડશે. ફકત કાર્યકારી અને ન્યાયિક શાખા અને પ્રાદેશિક પોલીસ સેવાને જ બહાર રખાઇ છે.

નવો કાયદો ટુંક સમયમાં ધારાસભ્યમાં રજુ કરાશે. આ પૂર્વે પદો માટે જાહેરાત થઇ હોય અથવા ચયન થયુ હોય તો તેવા સંબંધીત વ્યકિત પાસેથી ઘોષણા પત્ર લેવાશે.

(2:55 pm IST)